વાલમ નગરમાં, ખાડી પર લો-લેવલ બ્રિજ હટાવાયો
સુરત, 15 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરમાં દર વર્ષે ચોમાસાનાં પ્રારંભ સાથે ખાડીપુરની સમસ્યાને પગલે લાખો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ સંદર્ભે ભારે હોબાળા બાદ રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરમાં ખાડી પુરની સમસ્યાનાં કાયમી નિરાકરણ માટેની તાકિદ
વાલમ નગરમાં, ખાડી પર લો-લેવલ બ્રિજ હટાવાયો


સુરત, 15 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરમાં દર વર્ષે ચોમાસાનાં પ્રારંભ સાથે ખાડીપુરની સમસ્યાને પગલે લાખો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ સંદર્ભે ભારે હોબાળા બાદ રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરમાં ખાડી પુરની સમસ્યાનાં કાયમી નિરાકરણ માટેની તાકિદ કરવામાં આવતાં હાઈલેવલની કમિટી બનાવવામાં આવી છે. બીજી તરફ સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરમાંથી પસાર થતી ખાડીઓની ફરતે થયેલા ગેરકાયદેસર દબાણોથી માંડીને કલવર્ટ અને ખાનગી બ્રિજો - પુલો દુર કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે સતત ત્રીજા દિવસે સુરત મહાનગર પાલિકાનાં અઠવા ઝોન, ઉધના ઝોન -એ અને વરાછા ઝોન - બીમાં સાત સ્થળે ખાડી પાસેનાં કલવર્ટથી માંડીને લો- લેવલ બ્રિજ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં ઉપરવાસમાં વરસાદને પગલે દર વર્ષે ઘોડાપુરનાં દ્રશ્યો સર્જાવા પામે છે. ખાસ કરીને મીઠી ખાડીમાં પુરને પગલે નિચાણવાળા વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિને પગલે સેંકડો પરિવારોનાં જીવ તાળવે ચોંટતા હોય છે. આ વર્ષે પણ ચોમાસાના પ્રારંભ સાથે જ ખાડીપુરને પગલે ચાર - ચાર દિવસ સુધી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ મીંઢોળા નદીનાં તટ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગો તળાવો અને બીજી તરફ શહેરમાંથી પસાર થતી ખાડીઓનાં કિનારે ગેરકાયદેસર બાંધકામથી માંડીને દબાણો સહિતની ફરિયાદો વચ્ચે ખાડીપુરની સમસ્યા કાયમી થઈ ચુકી છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરમાં ખાડીપુરનાં કાયમી નિરાકરણ માટે હાઈલેવલ કમિટીની રચવા કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો દ્વારા ખાડીપુરના નિરાકરણ માટે હરસંભવ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાંથી પસાર થતી અલગ - અલગ ખાડીઓમાં વાઈડનીંગથી માંડીને રી-એલાઈમેન્ટ અને પાઈપ કલવર્ટ સહિત ગેરકાયદેસર ખાનગી પુલ દુર કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

છેલ્લા એક સપ્તાહથી સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ - અલગ વિસ્તારોમાં ખાડીઓનાં સર્વે બાદ છેલ્લા ત્રણ દિવસથી મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે સવારથી અઠવા ઝોનમાં સિદ્ધી એલીપ્સ પાસે અને ભીમરાડ-બમરોલી ખાડી બ્રિજ પાસે પોકલેન મશીન દ્વારા ખાડી વાઈડનીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સિવાય ભીમરાડથી સચિન મગદલ્લા બ્રિજ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં ખાડી રી-ડેવલપમેન્ટની કામગીરીમાં પણ સ્ટાફ સહિત અધિકારીઓ જોતરાયા હતા. જ્યારે ઉધના ઝોન- એમાં ભેદવાડ ખાડી પાસે પાઈપ કલવર્ટ દુર કરવાની કામગીરી અને ખાડીની વાઈડનીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભેદવાડ ખાદી પાસે ગેરકાયદેસર પાઈપ કલવર્ટને કારણે ખાડીપુરનાં પાણીનાં વહેણમાં અવરોધ સર્જાતો હોવાને કારણે આ કામગીરી માટે બે પોકલેન મશીન અને એક પોકલેન બ્રેકર મુકવામાં આવ્યા છે. જ્યારે વરાછા ઝોન - બીમાંથી પસાર થતી ખાડીમાં આઈકોનિક રોડ પાસે ખાનગી કલવર્ટ દુર કરવાની સાથે સાથે વાલમ નગર લો-લેવલ બ્રિજ પણ હટાવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande