સુરત, 15 જુલાઈ (હિ.સ.)-સુરત મહાનગર પાલિકા દ્વારા છ કરોડના ખર્ચે શહેરનાં કતારગામ વિસ્તારમાં વધુ એક સુમન શાળા બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ ઠરાવ રજુ કરતાં આગામી દિવસોમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. વેડ-કતારગામ ખાતે સાકાર થનાર સુમન શાળામાં રમત - ગમતનાં મેદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરનાં ગરીબ - શ્રમિક પરિવારનાં તેજસ્વી બાળકો માટે નિઃશુલ્ક શૈક્ષણિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુમન શાળાઓમાં હાલમાં 15 હજારથી વધુ તેજસ્વી બાળકો ધોરણ 9થી 12નું શિક્ષણ મેળવી રહ્યા છે. હાલમાં સુરત મહાનગર પાલિકા દ્વારા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ઉર્દૂ સહિત ઉડિયા મળીને કુલ છ અલગ - અલગ માધ્યમની 29 શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં અલગ - અલગ ઝોન વિસ્તારમાં પણ સુમન શાળાઓનાં ભવનની નિર્માણ કામગીરી ચાલુ છે. જો કે, હાઉસિંગ વિભાગ દ્વારા કતારગામ ઝોનમાં ટી.પી. 50 (વેડ - કતારગામ)માં રમત - ગમતનાં મેદાન સહિત સુમન શાળા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંચ પૈકી ગૌરવ બિલ્ડર્સનાં સૌથી ઓછો 6.26 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી માટેની દરખાસ્ત વહીવટી તંત્ર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે