રાજકોટ 15 જુલાઈ (હિ.સ.) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગોના જર્જરિત ભાગોમાં પેચવર્ક તથા રીપેરીંગના કામોને ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યા છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ઉભા થયેલા ખાડાઓ તથા ધોવાણને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગે મહાનગરપાલિકા દ્વારા યાંત્રિક સાધનો અને માનવબળ સાથે વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અને પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પર્સનલ મુલાકાત લઈને કામગીરીનું સ્થળ પર જ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ દરમિયાન કામગીરીમાં લગાવટ સાથે કામ કરવા માટે કામગીરી કરતા ઈજનેરો તથા કાર્યદારોને સૂચના આપવામાં આવી છે.
ખાસ કરીને ટ્રાફિકવાળા મુખ્ય માર્ગો અને રીંગ રોડ જેવા રસ્તાઓને વધુ પ્રાથમિકતા આપી કાર્ય ચાલુ છે. ખાડાઓ ભરવાનું કામ અને સપાટી સમતળ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જાહેરજનતાને માર્ગો પર કામ ચાલતું હોવાથી જરૂરી સાવચેત રહેવા અને તંત્ર સાથે સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ વિસ્તારોમાં પણ રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવશે તેવી માહિતી નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek