પાટણ, 15 જુલાઈ (હિ.સ.)પાટણના પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલી માધવ નગર સોસાયટીના પ્લોટ નં. 2માં પ્લોટના માલિક બાબુભાઈ પટેલે, રહીશોની મંજૂરી વગર મોબાઇલ ટાવર સ્થાપન કરવાની કામગીરી શરૂ કરી છે. રહીશોએ તેના વિરોધમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું.
રહીશોના જણાવ્યા મુજબ, રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવરનું નિર્માણ કોઈપણ અધિકૃત મંજૂરી વગર કરવામાં આવી રહ્યું છે. તેઓએ માંગ ઉઠાવી છે કે ટાવર માટે કઈ સંસ્થાની પરવાનગી લેવામાં આવી છે તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવે.
સોસાયટીના રહીશો એ ચિંતા વ્યક્ત કરી છે કે ટાવરથી ઊતરતા રેડિએશનના કારણે શારીરિક તેમજ આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી ટાવરની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી તેઓએ માંગણી કરી છે. નગરપાલિકા પગલાં ન ભરશે તો રહીશો ધરણાં કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર