પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં અંધશ્રદ્ધાના પગલે એક દુઃખદ ઘટના બની છે, જ્યાં કિશન દેવીપૂજક નામના યુવકે પોતાના જ કાકા, જીવાભાઈ દેવીપૂજક પર હુમલો કર્યો હતો. 7 જુલાઈની રાત્રે જીવાભાઈ પોતાના ઘરના આંગણામાં સૂતા હતા ત્યારે કિશને બોરડીના ધોકાથી તેમના ચહેરા પર જીવલેણ હુમલો કર્યો. સારવાર દરમિયાન જીવાભાઈનું મોત નીપજ્યું હતું. હુમલા પછી આરોપી સરસ્વતી નદીના પટમાં છૂપી ગયો હતો, જ્યાંથી પોલીસે તેને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કિશને કબૂલ્યું કે તેની આર્થિક અને શારીરિક પરિસ્થિતિ ખરાબ હોવાથી બે વર્ષ પહેલા ભુવા પાસે ગયો હતો, જેણે તેને 30 વર્ષ જૂનું દેવદુઃખ હોવાનું કહ્યું હતું. જીવાભાઈ સમાજના આગેવાન હોવાથી તેણે આ વાત નકારી દીધી હતી. કિશનને એવું લાગતું હતું કે કાકા કારણે દેવદુઃખ દૂર નહીં થયું અને એક વર્ષ પહેલા થયેલ તેની માતાના મૃત્યુ માટે પણ તે જીવાભાઈને જવાબદાર માનતો હતો.
આ કારણે કિશન જીવાભાઈને મારી નાખવાની તક શોધી રહ્યો હતો અને અંતે હુમલો કરી દીધો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જીવાભાઈના અકાળ મોતથી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનું માહોલ છવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર