ભુજ – કચ્છ, 15 જુલાઇ (હિં.સ.) સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારના કેન્દ્રનો અમેરિકાના મારફ્રીસબોરો, ટેનેસી ખાતે સ્વામિનારાયણ મંદિર - કલ્ચરલ સેન્ટરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વકના દબદબાભેર ઉજવાયો. જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય સંતસમિતિના જગદગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજે શુભેચ્છા પાઠવી હતી. મુક્તજીવન સ્વામીબાપા સંસ્થાનના સંખ્યાબંધ હરિભક્તો કચ્છથી જોડાયેલા છે.
ટેનેસીના કલ્ચરલ સેન્ટરના પંચમ દિવસીય મહોત્સવ
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારના કેન્દ્રનો અમેરિકાના મારફ્રીસબોરો, ટેનેસી ખાતે સ્વામિનારાયણ મંદિર - કલ્ચરલ સેન્ટરના પંચમ દિવસીય મહોત્સવમાં વિવિધ આધ્યાત્મિકસભર કાર્યક્રમો થયા હતા. મહાપુજા, ભક્તિસંગીત, રાસોત્સવ, વિશ્વશાંતિ યજ્ઞ, વિવિધ ગ્રંથોની પારાયણ, રંગોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ભવ્ય અન્નકૂટ, આરતી, મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું. સ્વામિનારાયણ મહામંત્રનું કરોડની સંખ્યામાં લેખન કાર્ય કરાયું હતું જેને મંદિરના મંત્રમંડપમાં પધરાવ્યા હતા.
અમેરિકાના મહાનુભાવો પહોંચ્યા, સન્માન કરાયું
મહોત્સવમાં રઘરફોર્થ કાઉન્ટીના કાઉન્ટી મેયર જો કેર, શેરીફ માઇક, ડેપ્યુટી શેરીફ સ્ટીવ સ્ફેન્થ, ઈમરજેંસી મેનેજમેન્ટ ડિરેક્ટર ક્રીસ કલર્ક, આસીસ્ટન્ટ ડિરેક્ટર કાઉન્ટી ફાયર જોશુ સેન્ડર્સ વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
ભારતીય સંસ્કૃતિનું પ્રચાર અને પ્રસાર કેન્દ્ર બનશે મંદિર
મહાનુભાવોએ આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, હિંદુ ધર્મ શાંતિ પ્રિય છે જેણે આજે મહોત્સવ ઉજવી રાજ્યની ગરિમા વધારી છે. સંતવૃંદ, સત્સંગીઓના અથાગ પુરુષાર્થના પ્રતિકરૂપે ભવ્ય ભારતીય સ્થાપત્યકલાને ઉજાગર કરતું શિખરબંધ મંદિર - કલ્ચરલ સેન્ટર એ ભારતીય સંસ્કૃતિનું પ્રચાર અને પ્રસાર કેન્દ્ર બનતા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણમાં યોગદાન રૂપ બન્યું છે.
સર્વજીવનું કલ્યાણ થાય તેવો ધાર્મિક સંદેશ
મહંત ભગવતપ્રિયદાસજી સ્વામીએ મંદિર બાંધકામની વિગતો આપી હતી. આ પાવનકારી અવસરે આચાર્ય સ્વામી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલી આચારસંહિતારૂપ શિક્ષાપત્રીમાં આપેલી આજ્ઞા અન્વયે સર્વજીવનું કલ્યાણ થાય તેવો સંદેશ ફેલાવવાનું કાર્ય અમે બધા સાથે મળીને કરી રહ્યા છીએ.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA