વલસાડ, 15 જુલાઈ (હિ.સ.)- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ બિસ્માર માર્ગોની મરામત કામગીરી કરવા માટે સૂચના આપતા વલસાડ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા તો યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી જ રહી છે સાથે સાથે વાપી મહાનગરપાલિકા દ્વારા પણ રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજરોજ વાપી મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીએ વાપી મનપામાં સમાવિષ્ટ બલીઠા અને વાપી હનુમાન મંદિર તેમજ કચીગામ ચેક પોસ્ટ રોડની મુલાકાત લઈ કામગીરીનું તેમજ રસ્તાની કવોલીટીનું નિરિક્ષણ કર્યુ હતું.
વાપી મ્યુનિસિપલ કમિશ્નર યોગેશ ચૌધરીએ વિવિધ વિસ્તારોમાં રોડનું નિરિક્ષણ કરતા જણાવ્યુ કે,વાપી મનપામાં મહત્વના ગણાતા વટાર રોડ, સલવાવ રોડ અને જનસેવા રોડનું કામ પૂર્ણ થઈ ગયુ છે. વધુ ટ્રાફિક ધરાવતા મહત્વના રોડ પર કામો પૂર્ણ થઈ ગયા છે અને જે ધ્યાનમાં આવે છે તેનું રીસ્ટોરેશન પણ કરી રહ્યા છે. આ સિવાય ગોકુલ વિહાર સોસાયટી, ધરમશી પાર્ક, કૃષ્ણા કોલોની અને વૈશાલી સિનેમા પાસેના આંતરિક રસ્તાઓ પણ સારી ક્વોલિટીના બન્યા છે, અત્યાર સુધી ચોમાસામાં કોઈ તકલીફ આવી નથી.
હાઈવે પર ટ્રાફિક મુવમેન્ટ વિશે કમિશનરએ વધુમાં કહ્યું કે, બલીઠા બ્રિજથી આલોક ઈન્ડ્રસ્ટીઝની સામે મોરાઈ સુધી હેવી ટ્રાફિક રહે છે આ રોડ નવેસરથી બનાવવાનું કામ પ્લાનિંગમાં છે. હાલમાં ચોમાસા દરમિયાન તકલીફ ન પડે તે માટે મેટલ અને જીએસબી વર્ક કરી મોટરેબલ કરવાનું કામ કરી રહ્યા છે. કોઈ પણ ફરિયાદ હોય તો કમ્પેલન્ટ નંબર પર જાણ કરવામાં આવેશે તો તેનો ત્વરિત નિકાલ કરાશે. વાપી મનપામાં સમાવિષ્ટ 11 ગામો અંગે તેમણે વધુમાં જણાવ્યુ કે, આ 11 ગામોનો સમાવેશ થતા તેને પ્રાયોરીટી આપી રસ્તાનું નવીનીકરણ પહેલા જ કરી દીધુ હતું. નામધા છરવાડા રોડ પર કામ ચાલુ હતું આ દરમિયાન વરસાદ પડતા નુકસાન થયું હતું. જેથી હાલમાં જીએસબી અને મેટલ નાંખવાની કામગીરી ચાલુ છે. વરસાદ વિરામ લેશે એટલે નવેસરથી રોડ બનાવાશે જેથી લાંબા ગાળા સુધી ચિંતા રહેશે નહી.
વાપી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કુલ 13.23 કિમી.ના 17 રોડ 16.62 કરોડના ખર્ચે મેજર રોડ બનાવવામાં આવ્યા છે. જે તમામ રસ્તાઓ હાલમાં સારી સ્થિતિમાં છે એમ વાપી મહાનગરપાલિકા દ્વારા જણાવાયું હતું. કમિશ્નરશ્રીની આ સ્થળ મુલાકાત સમયે વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર રેગન પટેલ, સીવીલ એન્જિનિયર રામચંદ્રન દેસાઇ તેમજ સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે