પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પતિના ત્રાસથી ત્રસ્ત બની ઘર છોડીને નીકળી ગયેલી એક પરિણીતા મહિલા ગત 12મી જુલાઇના રોજ 181 અભયમ પર ફોન કરીને મદદ માગી હતી. મળેલી જાણકારીને આધારે પોરબંદર 181 ટીમે તાત્કાલિક નિ:સહાય મહિલાની મદદે પહોંચી હતી.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાનું વતન રાજસ્થાન છે અને તે હાલમાં પોરબંદર તાલુકાના બગવદર ગામે તેના પતિ સાથે રહે છે. તેમનાં લગ્નને ત્રણ વર્ષ થયા છે અને તેમને એક સંતાન પણ છે. મહિલાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી તેનો પતિ સતત નશામાં રહે છે અને તેને શારીરિક તેમજ માનસિક ત્રાસ પહોંચાડે છે. પતિના આ વ્યવહારમાંથી કંટાળીને હવે તે ઘર પરત જવા માંગતી નથી.પોરબંદર અભયમ 181 ટીમની કાઉન્સેલર શ્રીમતી નિરુપાબેન બાબરીયા, કોન્સ્ટેબલ સેજલબેન પંપાણીયા તથા ટીમે સંવેદનશીલ અને માનવીય અભિગમ સાથે મહિલાને આત્મવિશ્વાસ અને હિંમત આપી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપ્યો હતો, જ્યાં તેણીની સુરક્ષા તેમજ જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya