જામનગર/ગાંધીનગર, 16 જુલાઈ (હિ.સ.) : જામજોધપુર તાલુકાના કોટડા બાવીશી ગામે આવેલ પ્રખ્યાત કોટડા બાવીશી માતાજી મંદિરને હાઇવે સાથે જોડતો રસ્તો એટલે કોટડા બાવીશી ટુ જોઇન સ્ટેટ હાઇવે રોડ. જે ભારે ટ્રાફિક ધરાવતો ખુબ જ અગત્યનો રસ્તો છે. અહી વેણુ નદી પર વર્ષો જુનો કોઝવે આવેલ હતો. જેના ઉપરના ભાગમાં ફૂલઝર ડેમ આવેલ છે. આ ડેમના લીધે જ્યારે પણ વધારે વરસાદ આવે અને ડેમના પાટિયા ખોલવામાં આવે એટલે ઓવરટોપિંગના લીધે રસ્તા પર અવરજવર બંધ થઈ જતી તેમજ વારંવાર કોઝવેને નુકશાન થતું હતું.
જેના પરિણામે વાહનચાલકોને તેમજ મંદિરે આવતા દર્શનાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન મુશ્કેલી થતી હતી. નદી પર ૩.૭૫મીટર પહોળાઈનો રસ્તો તથા બ્રીજ ન હોવાના લીધે અકસ્માત થવાની સંભાવના પણ હતી.જેથી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા કોઝવેની જગ્યાએ નવા મેજર બ્રીજની દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા 10 મીટરના 12 સ્પાન માટે રૂ.૩કરોડ ૬૦લાખની જોગવાઇ તથા ૩.૭૫મીટર માંથી ૫.૫૦મીટર પહોળાઈમાં વાઈડનીંગ અને સ્ટ્રેન્થનિંગ માટે રૂ.૨ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
આમ રસ્તો પહોળો તેમજ રસ્તા પરના નાળા પુલિયાના સ્થાને ગાળા વાળા ૨ સ્લેબ ડ્રેઇન અને ગામમાં સીસી રોડનું નિર્માણ થતા ગ્રામજનોની સુવિધામાં વધારો થયો છે. તથા નવા મેજર બ્રિજના નિર્માણ થયું હોવાથી સ્થાનિક જનતા અને શ્રદ્ધાળુઓની પણ સુવિધામાં વધારો થશે. કોટડા બાવીશી ગામનું રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે સરળતાથી જોડાણ થતા ખાસ કરીને ક્રુષિ, વેપાર, શિક્ષણ અને ધાર્મિક ક્ષેત્રે આ બ્રીજ અને રોડ અવર જવર માટે અત્યંત ઉપયોગી સાબીત થશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ