પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : વિશ્વપ્રસિદ્ધ તીર્થસ્થળ અને પાંચ સ્વયંભૂ મહાદેવની નગરી તરીકે ઓળખાતું સિદ્ધપુર ગેરકાયદે કતલખાના અને માંસની દુકાનોની સમસ્યાથી ઘેરાયું છે. શહેરમાં છેલ્લા થોડા સમયથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે, જે સ્થાનિક રહેવાસીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે.
આ મુદ્દે શહેરના ભાજપ પ્રમુખ કૌશલ જોશીએ પ્રાંત અધિકારી અને પાલિકા પાસે લેખિત રજૂઆત કરી છે. તેઓએ શ્રાવણ માસના આગમનને ધ્યાનમાં રાખી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી શહેરની પવિત્રતા જળવાઈ શકે.
જોશીનું કહેવું છે કે નગરમાં ભાજપ શાસન હોવા છતાં આવી પ્રવૃત્તિઓ અટકતી ન હોવું ચિંતાજનક છે. તેમણે ખાસ કરીને ધાર્મિક રીતે મહત્વ ધરાવતા શહેરમાં શાંતિ અને સત્કાર્ય માટે આ પ્રકારની ગેરકાયદે દુકાનો સામે કાયદેસર પગલાં ભરવા તંત્રને આગ્રહપૂર્વક અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર