જિલ્લામાં સાત પુલો પર ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ નવા પુલનું સોઈલ ટેસ્ટિંગ, બેરિયર લગાવવા જેવી માળખાગત કામગીરી અને સમારકામ પૂરજોશમાં શરૂ
ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય યુદ્ધના ધોરણે શરૂ છે. ગીર સોમનાથ જિલ્લામાં પ
જિલ્લામાં સાત પુલો પર ભારે વાહનો


ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય યુદ્ધના ધોરણે શરૂ છે.

ગીર સોમનાથ જિલ્લામાં પણ નવા પુલનું સોઈલ ટેસ્ટિંગ, બેરિયર લગાવવા જેવી માળખાગત કામગીરી અને જરૂર જણાયે નબળા પુલોની અગ્રતાને લક્ષમાં લઈ સમારકામ પૂરજોશમાં શરૂ છે.

જિલ્લામાં ચાલતી પુલના નિરીક્ષણ અને સમારકામની કામગીરીનો ચિતાર આપતા જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં આશરે નાના-મોટા ૪૫થી વધુ પુલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી નબળા જણાયેલા કુલ સાત પુલો પર ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. જેથી કોઈપણ દૂર્ઘટના ઘટે નહીં.

કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત) હસ્તક તેમજ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ જેવા ખાતાઓ હસ્તકના અલગ-અલગ પુલો આવેલા છે. આ તમામ પુલોનું ફિઝિકલ ઈન્સ્પેક્શન હાથ ધરાયું છે.

આ તપાસ દરમિયાન સાત જેટલા પુલ નબળા હોવાનું જણાતાં ઉના ખાતે મચ્છુન્દ્રી નદી પરનો પુલ, કાજલી એ.પી.એમ.સી પાસે આવેલો હિરણ નદી પરનો પુલ, તાલાલા પંચાયત હસ્તકનો એક પુલ અને અન્ય એક ગુજરાત મેરિટાઈમ હસ્તકનો પુલ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાણતા-અજાણતા કોઈ દુર્ઘટના ન બને તે માટે અને પુલના બન્ને છેડા પરથી ભારે વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે બેરિયર લગાવવાનું કામ પણ પ્રગતિમાં છે. આ ઉપરાંત દેવકા નદી પરના એક પુલનું એપ્રન ધોવાઈ ગયું હતું. વહેતા પાણીથી પાયાને નુકસાન ન થાય તે માટે એપ્રનની કામગીરી ચાલુ છે. આ સિવાય જે પુલોમાં સમારકામની જરૂર છે તેની તપાસ કરીને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે, એમ કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું.

સમારકામની વિગતો જણાવતા કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, જિલ્લામાં જી.એમ.બી. હસ્તકના ત્રણ પુલ નબળા છે. જેનું સમારકામ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તાલાળાનો પંચાયત હસ્તકનો નવો પુલ મંજૂર થઈ ગયો છે. જેની સોઈલ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકીના બે પુલનું સત્વરે રિપેરિંગ કામ કરવા રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને સૂચના આપવામાં આવી છે. જે અંગે ટૂંક સમયમાં કામગીરી શરૂ થઈ જશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande