ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.)
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પુલો અને રસ્તાઓ પર થયેલી અસરને પગલે માર્ગ વ્યવસ્થા જળવાય રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાનના અનુસંધાને વેરાવળ તાલુકાના છાપરી ગામે દેવકા નદી પર આવેલા પુલ પર ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને અને વાહનચાલકોની સલામતી માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આગોતરા પગલા લેવામાં આવ્યાં છે.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેરના અહેવાલ અનુસાર પુલની ચકાસણી કરતા બ્રિજના સમગ્ર સ્ટ્રક્ચરમાં, સ્લેબમાં તેમજ પુલ પરની પેરાપેટ વોલમાં નુકસાન જણાયું નથી પરંતુ પુલના એપ્રોન ફ્લોરમાં નુકસાન થયું હોવાના કારણે સમારકામ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પુલના પાયામાં ક્ષાર ન લાગે તે માટે પાયામાં વૉટરવેમાં એપ્રોન ફ્લોર હોય છે.
પુલ પહેલા તીવ્ર વળાંક આવે છે. જેના કારણે વાહનચાલક જો યોગ્ય વળાંક ન લઈ શકે તો દુર્ઘટના થવાની શક્યતાને અનુલક્ષીને આગોતરા પગલાં લેતા પુલના બે ગાળામાં નુકસાન હોવાના કારણે ફરી એપ્રોન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ કોંક્રિટ કામ પણ શરૂ છે.
ઉલ્લેખનીય છે કે, માર્ગ પર ગ્રામ્ય વિસ્તારના લોકોનું સતત પરિવહન જળવાઈ રહે અને વાહન વ્યવહારમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ સતત કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ