ગાંધીનગર, 16 જુલાઈ (હિ.સ.) : One District One Product (ODOP) એવોર્ડ-૨૦૨૪ની માહિતી આપતા પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને ૧૪ જુલાઈ ૨૦૨૫ના રોજ નવી દિલ્હી ખાત યોજાયેલ કાર્યક્રમમાં One District One Product (ODOP) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. 'એક જિલ્લો, એક ઉત્પાદન'(ODOP) પહેલનો ઉદ્દેશ દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે DPIIT(Department of Promotion of Industry and Internal trade) ના સહયોગથી કુલ ૯૦ જેટલા ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કુટિર ઉદ્યોગ અંતર્ગત હાથશાળ અને હસ્તકલાના કુલ ૩૧ ઉત્પાદનો, કૃષિ – સહકાર અને મત્સ્યોગ વિભાગ અંતર્ગત કુલ ૩૩ ઉત્પાદનો અને ઉદ્યોગ વિભાગ અંતર્ગત કુલ ૨૬ ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, One District One Product યોજના હેઠળ દરેક જિલ્લામાંથી એક અનોખા ઉત્પાદનની પસંદગી કરવામાં આવે છે. તેના બ્રાન્ડિંગ અને પ્રચાર પ્રસાર થકી સરકારની વિવિધ યોજનાઓ મારફતે લાભ આપી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થાય તે મુજબની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ