પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : પાટણમાં રેલવે ફાટક પર નિર્માણ પામેલા 'ટી' આકારના ઓવરબ્રિજનું લોકાર્પણ પહેલાં લોડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) દ્વારા સુપર સ્ટ્રક્ચર લોડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. બ્રિજની ક્ષમતા માપવા માટે તેના નીચે ડિફ્લેક્શન મીટર મૂકવામાં આવ્યું છે. મહેસાણાની રાકેશ કન્સ્ટ્રક્શન કંપનીએ આ બ્રિજનું નિર્માણ કર્યું છે.
પરીક્ષણ માટે ૧૩૨ ટન વજન ધરાવતા ચાર ટ્રક બ્રિજ પર ગોઠવવામાં આવ્યા છે. દર બે કલાકે લોડ રીડિંગ લેવામાં આવશે અને આ પરીક્ષણ ૨૪ કલાક સુધી ચાલુ રહેશે. બ્રિજના ઉપરના ભાગમાં સફેદ આડી રેખાઓ, ક્રોસ અને '૧-૨-૩-૪' નંબરિંગથી માર્કિંગ કરવામાં આવ્યું છે.
સ્ટેશન તરફનો બ્રિજનો ભાગ બંધ રાખવામાં આવ્યો છે, જ્યારે કલેક્ટર કચેરીથી ચિંતામણી તરફનો માર્ગ ખુલ્લો છે. આ પરીક્ષણની દેખરેખ GUDCના અધિકારી એ.એમ. પટેલ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન લાશા કંપનીના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર