ભુજ - કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) અમદાવાદ ડિવિઝન દ્વારા ચલાવવામાં આવતી રાજકોટ-ભૂજ ટ્રેનને 30 જુન 2025થી બંધ કરવામાં આવી છે. આ સેવાને સમયમાં યોગ્ય ફેરફાર કરી પુનઃ શરૂ કરવા રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પશ્ચિમ રેલવે મુંબઈના જનરલ મેનેજરને પત્ર પાઠવ્યો છે. મંત્રીએ સૌરાષ્ટ્રના પ્રવાસીઓની ચિંતા કરી હોવાનું આ પત્રમાં સમજાઇ રહ્યું છે. આ ટ્રેનને માત્ર વેકેશનની રજા પુરતી સિમિત ન રાખતા નિયમીત રીતે ચલાવવા જનરલ મેનેજર મુંબઈ અને D.R.M અમદાવાદ/રાજકોટને પત્ર પાઠવવામાં આવ્યો છે.
કચ્છના પ્રવાસન માટે સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓને ઉપયોગી
સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓ કચ્છ ખાતે આવેલા પ્રસિધ્ધ સફેદ રણ, સ્મૃતિવન,આશાપુરા મંદિર, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ સહિત અનેક ધાર્મિક સ્થળો ઉપરાંત લાંબો દરિયા કિનારાની મુલાકાત કરે છે અને મુસાફરો ખાનગી અને એસ.ટી. બસોના બદલે ટ્રેનમાં જવાનું વધારે પસંદ કરતા આવ્યા છે.
બસોમાં જગ્યા કે રીર્ઝવેશન મળતા નથી
પત્રમાં જણાવાયા મુજબ, હાલમાં કચ્છ સાથે સંકળાયેલી ખાનગી-એસ.ટી.ની બસોમાં સમયસર જગ્યા કે રીર્ઝવેશન મળતું ન હોવાના કારણે રાજકોટથી કચ્છ-ભુજ તરફ ચલાવતી ટ્રેન મુસાફરો માટે આર્શીવાદરૂપ હતી. આ ટ્રેનને બંધ કરવાથી મહિલાઓ, બાળકો, વયોવૃધ્ધ સહીતના પ્રવાસીઓ માટે ભુજ જવા માટેની સસ્તી, સારી અને આરામદાયક સુવિધા બંધ થતાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ભુજથી રાત્રે 9થી 10 વચ્ચેનો સમય અનુકૂળ
અમદાવાદ ડિવિઝન દ્વારા બંધ કરવામાં આવેલ ટ્રેનના સમયમાં ફેરફાર કરી રાજકોટ અને ભુજથી થી રાત્રીના 9 થી 10 વચ્ચે ચલાવી વહેલી સવારે પહોંચે તો મુસાફરીના સમય અને સસ્તી ટ્રેન સેવાના કારણે નાણાનો બચાવ થશે અને ટ્રેનમાં સારા પ્રમાણમાં ટ્રાફીક-ગુડઝ મળી શકશે. સૌરાષ્ટ્રના અનેક શહેરોના મુસાફરો દિવસ દરમ્યાન કચ્છ-ભુજના જોવા લાયક સ્થળોએ ફરી રાત્રીની આરામદાયક મુસાફરી સાથે સૌરાષ્ટ્રમાં પરત ફરી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA