પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : પોરબંદર બોટ એસોસીએશનનાં પ્રતિનિધિ મંડળે માછીમારોના તાત્કાલિક મુદ્દાઓ અંગે મત્સ્યઉદ્યોગ મંત્રી, સચિવ, કમિશ્નર સહીત તમામ મુખ્ય ફિશરીઝ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક કરી હતી. પોરબંદર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પ્રેમજીભાઈ પાંજરીના નેતૃત્વમાં ગત તા. 15/07/2025 ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકારનાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાધવજીભાઈ પટેલને રૂબરૂ મળી પોરબંદરના માછીમાર સમુદાયને અસર કરતા ઘણા લાંબા સમયથી પડતર અને મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. પ્રતિનિધિ મંડળે એક વિગતવાર મેમોરેન્ડમ સુપરત કર્યું તેમજ પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશને તાજેતરમાં રજૂ કરાયેલ આધાર-લિંક્ડ ટોકન OTP સિસ્ટમનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, પરંપરાગત માછીમારો માટે ખૂબ જ અવ્યવહારુ છે. ઘણા માછીમાર ટંડેલ, ખલાસીઓ (કૂ સભ્યો) અશિક્ષિત છે અથવા દૂરના વિસ્તારોમાંથી આવે છે. જ્યાં ડિજીટલ સાક્ષરતા અને દસ્તાવેજીકરણ હજુ પણ એક પડકાર છે. તે માટે માછીમાર બોટ માલિક બોટનું તથા ખલાસી, ટંડેલનું સરળતાથી ટોકન લઈ શકે તેવી ટોકન સીસ્ટમ ઉભી કરવી. તેમજ સરકારમાં લાંબા સમયથી બાકી રહેલી ડીઝલ વેટ રીબેટની તાત્કાલિક ચુકવણી કરવી ડીઝલના ઊંચા ભાવ અને વધતા સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને, પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશને માછીમારી અર્થતંત્રને ટકાવી રાખવા માટે VAT રીબેટ ઉપરાંત ડીઝલ પર વધારાનું ડિસ્કાઉન્ટ આપવું ઉપરાંત ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની ફિશીંગનાં હેતુ માટે વપરાશ કરતા દંગાઓમાં પી.જી.વી.સી.એલ નું લાઈટ કનેકશન લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી. અને બંદર ની અંદર લગતી પાયાની સુવિધાઓ તાત્કાલીક ઉભી કરવાની રજુઆતો તથા લકડી બંદર થી સુભાષનગર જતો ડેક બ્રીજ અચાનક માછીમારીના મધ્યમ થી ભારે વાહનો માટે અવર જવર કરવા માટે બંધ કરેલ છે. તો આના માટે તાત્કાલીક નક્કર પગલા લઈ ને માછીમારો ને રાહત થાય અને બાજુમાં પેરેલલ નવો બ્રીજ બનાવવામાં આવે તે માટે રજુઆત કરી હતી.
માછીમારોની રજૂઆતને ધ્યાને રાખી રાધવજીભાઈ પટેલએ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી કે દરેક મુદ્દાની પ્રાથમિકતા પર સમીક્ષા કરવામાં આવશે અને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશને વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર ગુજરાતના મહેનતુ માછીમારોને ટેકો આપવા માટે ઝડપી અને સકારાત્મક પગલાં લેશે.
આ રજુઆતમાં પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ અને અખિલ માછીમાર મહામંડળ ગુજરાતનાં ઉપપ્રમુખ મુકેશભાઈ પાંજરી, મંત્રી રાજુભાઈ બાદરશાહી, સલાહકાર કમલેશભાઈ જુંગી તેમજ ગુજરાત પ્રદેશ માચ્છીમાર સેલ(ભાજપા)ના સદસ્ય હર્ષિતભાઈ શિયાળ, વેરાવળ ભીડીયા ખારવા સમાજનાં આગેવાન રમેશભાઈ ડાલકી તેમજ તેમની ટીમ સાથે રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya