રાપર, 16 જુલાઇ , (હિ.સ.) : SAY NO TO DRUGS મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનુ ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી ક૨વા સૂચનાની કામગીરી હેઠળ લાકડિયામાં ગાંજાના જથ્થા સાથે બે જણને પકડી લેવામાં આવ્યા છે.
જૂના કટારીયા ચાર ૨સ્તા પાસે ચેકિંગ
પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.જાડેજા તથા ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે લાકડીયા-જૂના કટારીયા ચાર ૨સ્તા પાસે ચકાસણી હાથ ધરાઇ હતી. અજમેર પંજાબી હોટલ પાસે પંકચરની દુકાન નજીક બે ઇસમ પોતાના કબ્જાની બેગમાં ગેરકાયદે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરવા સારુ લાકડીયા ખાતે આવ્યા હતા.
બેગમાંથી મળ્યો ગાંજો
આ બે ઇસમને શોધીને પોલીસે ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી પંચોની હાજરીમાં બેગની ઝડતીમાં મળી આવેલો નશીલો પદાર્થ ગાંજો વજન 5.800 કિલોગ્રામનો જથ્થો કબ્જે કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. નાર્કોટિક્સ એકટ મુજબ કાર્યવાહી કરાઇ છે.
લાકડિયામાં કોને જથ્થો વેચવાનો હતો?
જથ્થો લાકડીયામાં જેને વેચાણ કરવાનો હતો તથા જેની પાસેથી બંને આરોપીઓ ખરીદી કરી આ ગાંજો લઇ આવેલા તે આરોપીની તપાસ બાબતે પોલીસ ટીમ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બે આરોપી પકડાયા, બે વોન્ટેડ
વિષ્ણુભાઈ બાબુભાઈ ગમાર ઉ.વ.28, અજયભાઈ મણાભાઈ ઉર્ફે માનાભાઈ ૫રમાર ઉ.વ.24 ૨હે.બંને પાલીયાબીયા, અજાવાસ તા.પોશીના ખેડબ્રહમા સાંબરકાંઠાને પકડાયા હતા. જ્યારે બે આરોપી વોન્ટેડ છે. જેમાં મુકેશભાઈ બુંબડીયા રહે.અજની, ગુજરાત રાજસ્થાન બોર્ડ૨ અને દિનેશ બાવાજી રહે.લાકડીયા તા.ભચાઉ કચ્છનો સમાવેશ થાય છે. સુકો ગાંજો વજન 5.800 કિલોગ્રામ કિ.રૂા. 58,000 ગાંજાનો જથ્થો ભરેલી બેગ નંગ 1, મોબાઈલ નંગ 2 કિ.રૂા. 10,000 અને આધારકાર્ડનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA