પાટણ, 16 જુલાઈ (હિ.સ.)પાટણ શહેર અને આસપાસના 70 ગામોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. હાલમાં પદ્મનાથ ચોકડીથી ખુલ્લી કેનાલ મારફતે સિદ્ધિ સરોવરમાં પાણી પહોંચે છે અને ત્યાંથી ફિલ્ટર કરીને વિતરણ કરવામાં આવે છે. આવી ખુલ્લી કેનાલમાં થતી ગંદકી લોકોને આરોગ્યલક્ષી જોખમમાં મૂકે છે.
હવે નવી યોજના હેઠળ ખોરસમ-સરસ્વતી પાઈપલાઈનમાંથી સીધું અંડરગ્રાઉન્ડ કનેક્શન બનાવી સિદ્ધિ સરોવરમાં પાણી પહોંચાડવામાં આવશે. પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈ ટેકનિકલ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેના આધારે યોજનાનો અમલ થશે.
પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા સમક્ષ રજૂઆત કરી હતી, જેના પરિણામે રૂ. 4.50 કરોડનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. 14 જુલાઈ 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના જીયુડીએમને સોંપવાનો નિર્ણય કર્યો હતો, જેના અમલથી પાટણ શહેર અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ અને સુરક્ષિત પાણી મળવાનું સુનિશ્ચિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર