અમરેલી 16 જુલાઈ (હિ.સ.) : અમરેલી શહેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ મોબાઇલ ચોરીના ગુનાને અમરેલી શહેર પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સના આધારે ડિટેક્ટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આરોપીએ અલગ-અલગ સ્થળેથી મોબાઇલ ચોરી કરીને ભાગી છૂટયો હતો. ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે ગુનાઓનું ત્વરિત નિરાકરણ લાવવા ટેક્નિકલ અને ગુપ્ત માહિતી એકત્ર કરીને દિશા નક્કી કરી હતી.
ટેક્નિકલ સર્વેલન્સ, IMEI ટ્રેકિંગ તેમજ સ્થાનિક ગુપ્ત સમાચારદારોની મદદથી આરોપીની ઓળખ કરી, પોલીસે સંદિગ્ધ સ્થળે રેડ કરી આરોપી યુવકને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. તેની પાસેથી અલગ-અલગ બનાવટોમાં ચોરાયેલી કુલ ૭ જેટલી મોબાઇલ ફોન મળી કુલ કિંમત અંદાજે રૂપિયા ૧,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી એન.ડી. વઘાસીયા તથા સ્ટાફના જવાનોની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ વધુ પૂછપરછ હાથ ધરતાં અગાઉ પણ ચોરીના ગુનાઓ કર્યાની કબૂલાત આપતા તેને અદાલતમાં રજૂ કરી પોલીસે રીમાન્ડ મેળવ્યો છે.
અમરેલી પોલીસની સક્રિય કામગીરી અને ટેક્નિકલ વિધિ અપનાવવાથી અનડીટેક્ટ રહેલ મોબાઇલ ચોરીના ગુનાને ત્વરિત રીતે ઉકેલી પોલીસમાં અરજદાર તેમજ સ્થાનિક નાગરિકોમાં વિશ્વાસ અને સંતોષનો માહોલ સર્જાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek