સુરત, 16 જુલાઈ (હિ.સ.)- સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત AI CCTV કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે ૨૪*૭ શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો “રિયલ ટાઈમ” અંદાજ મેળવીને, સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે જેથી સમયસર કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
આ કામગીરી સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આ આધુનિક ટેકનોલોજી માર્ગ વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવી રહી છે. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની રાહબરી હેઠળ શહેરની જનતાની સુખાકારી માટે મહત્વની મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વરસાદના કારણે રસ્તાની મરામત યુદ્ધના ધોરણે શરૂ કરવા સુચના આપી છે. મહાનગરપાલિકામાં ખાડા રીપેરીંગ મરામત માટે AI ટેકનોલોજી ઉપયોગી નીવડી છે.
આ અંગે માહિતી આપતાં મહાનગરપાલિકાના સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના IT ડાયરેક્ટર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સુરત મહાનગરપાલિકાનું વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC) શહેરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં માર્ગોને નુકસાન પહોંચ્યું છે. આવા વિસ્તારમાં કમાન્ડ સેન્ટર દ્વારા સતત નજર રાખી કામ ચાલુ કરવામાં આવ્યું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ૩,૫૦૦ CCTV કેમેરા અને પોલીસ વિભાગ દ્વારા ૮૦૦ કેમેરા લગાવવામાં આવ્યા છે. એમ કુલ ૪,૩૦૦ કેમેરાના ફૂટેજ દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા કે અવરોધોને ઓળખવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ CCTV ફીડમાં કોઈ જગ્યા પર ખાડાની માહિતી મળી આવે છે, તાત્કાલિક ત્યાંની વિગતો ફિલ્ડ ટીમને મોકલવામાં આવે છે અને માર્ગ સુધારાની કામગીરી હાથ ધરવામાં આવે છે.”
તેમણે કહ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી શહેર વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને ઝડપ બંને હાંસલ થઈ રહી છે. AI આધારિત સિસ્ટમ રસ્તાઓની સમસ્યાઓને પોતે ઓળખી તંત્ર સુધી પહોંચાડે છે. આ અભિગમ નાગરિક સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ છે.”
અંતે તેમણે ઉમેર્યું કે “સુરત શહેરમાં આવા સ્માર્ટ ઈનોવેટિવ સોલ્યુશનનો અમલ સતત પ્રગતિ પામે એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ. AI આધારિત સિસ્ટમ દ્વારા ડેટાની મદદથી ભવિષ્યમાં માર્ગ વિકાસ અને જાળવણી માટે વધુ સફળ આયોજન કરી શકાશે.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે