પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના ચાચરીયા ચોક ખાતે આવેલાં સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અને કુળદેવી હિંગળાજ માતાજીના મંદિરમાં આજથી ચાલિયા સાહેબના ઉપવાસનો પ્રારંભ થયો છે. આ મંદિરમાં વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે. આજે વ્રતધારી ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં બ્રાહ્મણો દ્વારા સંકલ્પવિધિ કરી આરતી અને પલ્લવ સાથે ઉપવાસનો આરંભ કરાયો હતો.
મંદિર તરફથી દરેક વ્રતધારીને સુશોભિત માટલી આપવામાં આવી છે, જેને તેઓ પોતાના ઘરમાં મૂકી અખો અને આહુતિ સાથે પૂજન કરશે. ઉપવાસની અવધિ ૪૦ દિવસની રહેશે. દરરોજ રાત્રે મંદિરમાં ઝુલેલાલ રાસ મંડળ દ્વારા ભજન અને પંજડાનું આયોજન કરવામાં આવશે.
આ ઉપવાસની પૂર્ણાહુતિ ૨૪ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ કરવામાં આવશે. પૂર્ણાહુતિના દિવસે વિશેષ આરતી અને પ્રસાદ વિતરણ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર