સુરત, 17 જુલાઈ (હિ.સ.)- તા.17 થી 23 જુલાઈ દરમિયાન જર્મનીના રૂહરમાં FISU વર્લ્ડ
યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થયું છે, જેમાં વિવિધ રમતોમાં
સુરતના 3 સ્પર્ધકો; ટેકવાન્ડોમાં અંડર-49 વજન ગ્રુપમાં સુરતની ત્વિષા
કાકડિયા અને ટેબલ ટેનિસ ટીમમાં 23 વર્ષીય અયાઝ મુરાદ તેમજ 20 વર્ષીય દેવર્ષ વાઘેલા
ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ટેકવાન્ડો પ્લેયર ત્વિષા છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ
ગુજરાત (SAG)ના બિન નિવાસી ટેક્વોન્ડો એકેડમી ખાતે કોચ અમન કુમાર
તથા ફિઝિયો કુલદીપ સોનીના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે. જ્યારે ટેબલ ટેનિસ
ટીમ માટે પસંદગી પામેલા ગુજરાતના બે પેડલરો પૈકી સુરતના અયાઝ મુરાદ ટીમનું નેતૃત્વ
કરશે. અયાઝ અને દેવર્ષ બંને પેડલર છેલ્લા બે વર્ષથી સુરતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ
ગુજરાત (SAG)-તાપ્તિવેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર, તાપ્તિ વેલી
ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કોચ અંકુર જોષી, મહાવીરસિંહ કુંપાવત, અંકિતા
શ્રીવાસ્તવ તથા ફીઝીયો નીરવ ખાનપરાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે