પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં ધોરણ 1 થી 5 માટે વિદ્યા સહાયક ભરતી હેઠળ 100 શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે. વનરાજ પગાર કેન્દ્ર શાળામાં યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં 94 ઉમેદવારો હાજર રહ્યા હતા. બપોર સુધીમાં 73 ઉમેદવારોએ પોતાની પસંદગીની શાળાઓ પસંદ કરી હતી, જ્યારે બે ઉમેદવારોએ અસંમતિ દર્શાવી હતી. ઉમેદવારોને મેરીટના આધારે પોતાનું સ્થાન પસંદ કરવાની તક આપવામાં આવી છે અને કેમ્પમાં જ તેમને નિમણૂકના હુકમો આપવામાં આવ્યા છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, પાટણ જિલ્લામાં કુલ 345 જગ્યાઓ સામે 100 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે. તેમાં સૌથી વધુ 72 જગ્યાઓ સાંતલપુર તાલુકામાં, રાધનપુરમાં 15, સમીમાં 6, પાટણમાં 3, જ્યારે સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ તાલુકામાં એક-એક જગ્યા ફાળવાઈ છે.
આ સ્થળ પસંદગી કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા, પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ, ઉત્કર્ષ મંડળના પ્રમુખ પ્રવીણસિંહ પરમાર, રાજ્ય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી બાબુભાઈ રબારી તથા મહાદેવભાઈ રબારી, અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર