રાજકોટ/ગાંધીનગર, 17 જુલાઈ (હિ.સ.) : રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજરોજ કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. દરમિયાન આરોપી જયદિપ ચૌધરી દ્વારા મુદ્દત માંગવામાં આવતા કોર્ટે આકરો દંડ કરવા કહેતા જયદિપ ચૌધરીએ અરજી પરત ખેંચી લીધી. ચાર્જ ફ્રેમ કરતા સુનાવણી શરૂ કરવામાં આવી. હવે આગળ ક્યાં સાક્ષીને પહેલા બોલાવવા એ અંગે જાણ કરવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલ ચકચારી દુર્ઘટનાઓના બનાવમાં સૌથી ઝડપી ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ચાર્જ ફ્રેમ થયાનો રાજકોટ બારના પૂર્વ ઉપપ્રમુખ વકીલ સુરેશ ફળદુએ દાવો કર્યો છે.
ગત 16 જુલાઈ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એવા આરોપી ઈલેશ ખેરની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગેમઝોન અગ્નિકાંડ કેસમાં કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હોવાથી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કેસમાં કુલ 15 આરોપી પૈકી 5 આરોપી જામીન પર મુક્ત થતાં હવે 10 આરોપી રાજકોટ જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 5 પૈકી 3 આરોપીને હાઇકોર્ટ દ્વારા એક આરોપીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા અને ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપી સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ થયા બાદ અદાલતમાં આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા માટે અરજી કરવામાં આવતા અત્યારસુધી કુલ 5 આરોપીને જામીન આપવામાં આવ્યા છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન સીએફઓ એવા આરોપી ઈલેશ ખેરને જામીનમુક્ત કરવા ઓર્ડર કર્યો છે.
આરોપી ઈલેશ ખેર વતી તેના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં કુલ 365 જેટલા સાહેદો છે, જેને તપાસવામાં જાજો સમય લાગી શકે એમ છે. એક વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં હજુ આ કેસમાં ટ્રાયલ શરૂ થઈ નથી. તદુપરાંત થોડાં વર્ષ પહેલાં મોરબીમાં ઝૂલતા પુલ તૂટી જવાથી 130 જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતાં, જયારે ટીઆરપી ગેમઝોન કેસમાં 27 લોકોનાં મોત નીપજ્યાં છે તો મોરબી પુલ કેસમાં આરોપીઓને જામીન મળવાપાત્ર હોય તો આ કેસમાં પણ જામીન આપવા જોઈએ, જે દલીલને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપી ઈલેશ ખેરને જામીન પર મુક્ત કરવા ઓર્ડર કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ