અમરેલી 17 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી નજીક આવેલ આસોદર વિસ્તારમાં આજે બપોરના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આસોદર રોડ પર બે બાઇક વચ્ચે સામસામે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં ઇગોરાળા જોગાણી ગામના એક યુવાનનું ઘટનાસ્થળે જ દુર્લભ મૃત્યુ નિપજયું છે. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા લાઠી પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય એક વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતક યુવાનને પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ત્યાં માતમનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક તપાસમાં બંને બાઇક ચાલકો વચ્ચેની અચાનક ટક્કર પાછળનું મુખ્ય કારણ ઝડપનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લાઠી પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, આસોદર રોડ પર સતત બેફામ વાહન ચલાવવાના કારણે આવી ઘટનાઓ વધી રહી છે અને માર્ગ સલામતી માટે યોગ્ય પગલાં લેવા માંગણી ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek