પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશાનિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પણ પોરબંદર શહેર વિસ્તાર ખાપટમાં ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરીને સંબંધિતોને કામો સત્વરે પૂરુ કરવા સૂચના આપી હતી.
પોરબંદર શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદના કારણે રસ્તાઓ ક્ષતિ ગ્રસ્ત બન્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્રારા ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગોથી જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સબંધિત વિભાગને સુચના આપતા પોરબંદર મહાનગર પાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શનમાં બિસ્માર રસ્તાઓના સમારકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સોમવારના દિવસે શહેરમાં આવેલ નરસંગ ટેકરી પાસે રાજીવનગર વિસ્તારમાં થઇ રહેલ રસ્તાના કામનું સ્થળ નિરીક્ષણ મહાનગર પાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિએ કર્યું હતું. અને સતત બીજા દિવસે એટલે કે મંગળવારે ખાપટ વિસ્તારમાં મહાનગરપાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિ વહેલી સવારે ટેકનિકલ સ્ટાફ અને સંસાધનો સાથે પહોંચી ગયા હતા, ખાપડ વિસ્તારમાં કાદવ કિચડના પ્રશ્નોના કારણે લોકોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે જેસીબી મશીન, રોલર સહિતના સંસાધનોથી મટીરીયલ નાખી રસ્તાનું લેવલિંગ કરાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya