ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : મુંદરામાં સોસાયટીમાં ચોકીદારી કરતા એક સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી અનેક રાજ્યોમાં ચોરી-લૂંટ કરી નાસતો ફરતો ચડ્ડી-બનિયાન ગેંગનો સરદાર ઝડપાઈ ગયો હતો. `આપની સુરક્ષા, અમારો સંકલ્પ' નામનું વોટ્સએપ ગ્રુપની જાગૃતિના લીધે આ ચોર ગેંગના સરદારને પકડી શકાયો હતો. સોશિયલ મીડિયાનું ઉજળું પાસુ સામે આવ્યું છે.
ગોકુલમ સોસાયટીમાં ટોળકી ત્રાટકી
મુંદરા પોલીસ દ્વારા શહેરમાં સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડનું એક અલાયદું `આપની સુરક્ષા, અમારો સંકલ્પ' નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, તેનાં માધ્યમથી જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી, તેમાં જે મકાનો બંધ હોય ત્યાં વિશેષ પેટ્રોલિંગ રાખવા અને તે બાબતે પોલીસને જાણ કરવા સૂચના આપવામા આવી હતી. ગત તા. 14-07ના મોડી રાત્રિના મુંદરાની ગોકુલમ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ હરદેવાસિંહે ટેલિફોનથી પોલીસ મથકે જાણ કરી કે, ગોકુલમ સોસાયટીના સી.સી.ટી.વી કેમેરામાં અમુક ચડ્ડી-બનિયાન પહેરેલા ઇસમો સોસાયટીમાં પ્રવેશ કરતા દેખાય છે જેથી પોલીસ મોકલો. ફરજ પરના પી.એસ.ઓ.એ રાત્રિ ફરજ પરના પોલીસના માણસોને તુરંત ત્યાં પહોંચવા સૂચના આપતાં પોલીસે સમયસૂચકતા વાપરી ત્વરિત જગ્યા પર પહેંચી અને ફોન કરનાર હરદેવાસિંહ તથા સોસાયટીના માણસો સાથે મળી એક ઇસમને જગ્યા પરથી ચોરી કરેલા મુદામાલ સાથે રંગે હાથ પકડી પાડ્યો હતો.
સિક્યોરિટી ગાર્ડની બહાદૂરી, ઇઝા પણ થઇ
સિક્યોરિટી ગાર્ડ હરદેવાસિંહે હિંમત અને બહાદુરીપૂર્વક કામ કર્યું હતું. જેમાં તેના ઉપર ડીસમીસથી હુમલો પણ થયો હતો. બાદમાં સોસાયટીમાં ચેક કરતા એક બંધ મકાનના દરવાજાનો નકુચો તથા એન્કર લોક તૂટેલા હતા, જે મકાન માલિક બહાર ગામ હોઇ તેની જાણ કરતાં તેમણે પરત આવી પોતાના મકાનમાંથી રૂા. 40,000ની મતાની ચોરી થઇ હોવાની ફરિયાદ આપી હતી.આ બાબતે જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા તેમજ તેના વતનમાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અન્ય ગુનામાં તેની સંડોવણી અંગે તપાસ કરવા સૂચના આપતાં મુંદરાના પી.આઇ. આર.જે. ઠુમ્મર તથા પીએસઆઇ ડી. જે. ઠાકોરની આગેવાનીમાં ટીમ બનાવી સઘન અને કડક પૂછપરછ શરૂ કરી હતી.
રીઢો આરોપી હોવાથી વિગતો આપતો ન હતો
આરોપી રીઢો હોઇ પોતાનું સાચું નામ-ગામ-સાથીઓનાં સાચા નામ જણાવતો ન હતો. સુરેશ, ત્યાર બાદ સુનીલ અને ઘણા પ્રયત્નો પછી પોતાનું સાચું નામ અને સરનામું જણાવતાં ગુનાહિત ઇતિહાસ જાણવા માટેની ગુજરાત સરકારની ઈગુજકોપ તથા આઇસીજેએસ એપ્લિકેશન તથા અન્ય ટેકનિકલ એપ્લિકેશન્સની મદદથી તપાસ કરતાં અને મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કરતાં એવી હકીકત જાણવા મળી કે, આ કુખ્યાત આરોપી સુરમ ઉર્ફે સુરેશ કાલિયા મીનામા મધ્યપ્રદેશની ખુંખાર ચડ્ડી-બનિયાનધારી ટોળકીનો સરદાર છે.
અન્ય રાજ્યોમાં ઘણા ગુનાઓમાં પણ વોન્ટેડ
ગેંગના આ સરદાર વિરુદ્ધ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યોમાં ઘરફોડ ચોરી, લૂંટ, આર્મ્સ એક્ટ, વાહન ચોરી જેવા કુલ 12 ગુના દાખલ થયેલા છે. સાથે કર્ણાટકની હલીયાલ જેલમાં છ વર્ષથી સજા ભોગવતો હતો અને વર્ષ 2023થી ભાગેડુ છે. તેમજ તેના વતન ઉદયગઢ તથા અન્ય રાજ્યોમાં ઘણા ગુનાઓમાં પણ તે વોન્ટેડ છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA