ગીર સોમનાથ 17 જુલાઈ (હિ.સ.) “આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં” કવિ કૃષ્ણ દવેની આ પંક્તિઓ પોતીકા પરિશ્રમ થકી સફળતાની વાત વર્ણવે છે. શાકભાજી કૂળના કંટોલા પર પણ આ પંક્તિઓ બરાબરની યોગ્ય લાગે છે. કારણકે કંકોડાની વેલ જંગલો અને ઝાડીઓમાં પોતાની રીતે જ ઉગે છે અને શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મનુષ્યને ખૂબ જ ફાયદાકારક છે.
સામાન્ય રીતે લીલા શાકભાજી સ્વાસ્થ્યને એકદમ ફાયદાકારક હોય છે. લીલા શાકભાજીમાં પોષકતત્વોની ભરપૂર માત્રા હોય છે. જેના કારણે શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ થાય છે. તો કેટલાક શાક માત્ર ઋતુ પ્રમાણે જ આવતાં હોય છે. આવું જ એક શાક છે કંટોલા કે કંકોડા. હાલ ચોમાસાની ઋતુમાં આ શાક માર્કેટમાં સરળતાથી મળી આવે છે.
કંટોલાનું વૈજ્ઞાનિક નામ મોમોર્ડિકા ડાયોકા છે. કંટોલા દેખાવમાં નાના કારેલા જેવા લાગે છે. આયુર્વેદ નિષ્ણાંતોનું માનવું છે કે આ શાકમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટની માત્રા સૌથી વધારે હોય છે. જેના લીધે શરીરને અસરકારક માનવામાં આવે છે.
કંટોલા એ વરસાદી મોસમમાં ઉગતું શાક છે. કંટોલાને તમે ડાયેટમાં પણ સમાવેશ કરી શકો છો. આ શાકભાજી વજન ઘટાડવા માટે કોઇ વરદાન સમાન છે. આ શાકનું સેવન કરવાથી અથવા તો તેનો રસ પીવાથી મેદસ્વિતા ઘટી શકે છે. આ શાક પ્રોટીન, ફાયબર અને વિટામીનનો ભંડાર છે.
આયુર્વેદિક દ્રષ્ટિએ પણ કંટોલા કેટલાક રોગ માટે અકસીર ઇલાજ સમાન છે. કંટોલા પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. કંટોલામાં ઘણા પાચન ગુણધર્મો રહેલા છે. વળી તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જમીનની નીચે કંકોડાના મૂળમાં અડધો ફૂટ લાંબી ગાંઠ હોય છે, જેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. આ શાક બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે. જેથી હ્રદયનું સ્વાસ્થ્ય સુધરે છે. આમ, કંટોલાના અઢળક ફાયદાઓ જોતાં તેને ચોમાસાની ઋતુમાં પોતાના ભોજનમાં સમાવેશ કરવો શારીરિક દ્રષ્ટિએ અત્યંત ફાયદાકારક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ