ગીર સોમનાથ 17 જુલાઈ (હિ.સ.) વેરાવળ શહેરના હવેલી ચોક વિસ્તારમાં સગર્ભા ગાય એક જગ્યા પર બેસી પીડાતી હતી. આ જોઇ ગૌપ્રેમીએ ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સનો સ્ટાફ તાત્કાલીક સ્થળ પર પહોંચ્યો હતો. સ્ટાફ દ્વારા ગાયના પેટમાં રહેલા મૃત વાછરડાને બહાર કાઢી ગાયને પીડામાંથી મૂક્તિ આપી હતી.
આ અંગે ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સના ડો.અરજન સોલંકીએ જણાવ્યું હતું કે, ગૌ-પ્રેમી સોનલબેન મણિયાર દ્વારા વેરાવળ શહેરના હવેલી ચોક સામે એક ગૌમાતા સગર્ભાવસ્થામાં એક જ જગ્યાએ બેસી ગઇ હોવાની જાણ કરવામાં આવી હતી. જેથી અમે તાત્કાલીક એનિમલ એમ્બ્યુલન્સ લઈ અને સ્થળ પર પહોંચ્યાં હતાં.
ડોક્ટર્સે તપાસ કરતા ગાયના ગર્ભાશયમાં અંદર વાછરડું મરણ અવસ્થામાં હતું. જોકે, એનાથી પણ વિપરિત મુશ્કેલી એ હતું કે મરણઅવસ્થામાં વાછરડું આડું થઈ ગયું હતું. જેથી પાયલોટ કમ ડ્રેસર લતીફ બ્લોચ તથા અન્ય ગૌપ્રેમીઓની મદદથી મૃત અવસ્થામાં વાછરડાને બહાર કાઢી સફળતાપૂર્વક ગૌમાતાને પીડામાંથી મુક્ત કરી હતી.
આમ, વેરાવળ શહેરના કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક અબોલ પશુનો જીવ બચાવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ