ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર અને માર્ગ અને મકાન વિભાગના આયોજનબદ્ધ પ્રયાસોના પરિણામે ગીર સોમનાથ જિલ્લામાં પરિવહન અને અર્થતંત્રને વેગ આપતું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે.
આવી જ એક મહત્વપૂર્ણ માળખાગત સુવિધા અંતર્ગત ઉના તાલુકાના દેલવાડા ગામે મચ્છુન્દ્રી નદી પર મેજર બ્રિજ બનાવવામાં આવ્યો છે. દર વર્ષે ચોમાસામાં રાજપરા બંદર, સીમર, ખાણ, ખજુદ્રા જેવા અનેક ગામોના લોકોને ચોમાસાની ઋતુમાં એક ગામથી બીજા ગામ જવા માટે વહેતાં પાણીમાંથી પસાર થવું પડતું હતું પરંતુ આ બ્રિજ બનતાં આ અગવડતા હવે દૂર થઈ છે.
ભૂતકાળમાં ચોમાસાની ઋતુમાં જ્યારે ભારે વરસાદ હોય ત્યારે પાણીનું ભારે વહેણ અત્યારે બનાવવામાં આવેલા બ્રિજની જગ્યાએથી પસાર થતું હતું. જેમાંથી મહામુસિબતે પસાર થવાતું હતું.
આ ઉપરાંત, દેલવાડા સિમર રાજપરા રોડ પર મચ્છુન્દ્રી નદી પર બેઠો કૉઝવે આવેલો હતો. આ કૉઝવે નીચો હોવાના કારણે ચોમાસામાં પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જ્યારે પણ વરસાદ પડતો ત્યારે કલાકો સુધી આ પુલ પરથી વાહનવ્યવહાર તેમજ નાગરિકોનું આવન-જાવન બંધ થઈ જતું હતું.
આ બેઠા કૉઝ વે પરથી પસાર થતાં પાણીના વધુ પ્રવાહમાં જોખમી રીતે પસાર થવાના કારણે તણાઈ જવાના બનાવો પણ બનેલા હતાં. ચોમાસાની સીઝનમાં દર વર્ષે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી તેમજ ઘોડાપુર આવવાના કારણે દેલવાડા સંપર્ક વિહોણું બની જતું. જેના કારણે હોસ્પિટલે આવન-જાવન કરવામાં પણ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકાર દ્વારા રૂ.૭ કરોડના ખર્ચે મેજર બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જેનું કામ વર્ષ ૨૦૨૨-૨૩માં પૂર્ણ થયું હતું. આ પુલનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરી અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ બ્રિજ બની જતાં રાજપરા બંદર, સીમર, ખાણ, ખજુદ્રા જેવા અનેક ગામોના લોકોને ચોમાસામાં પડતી તમામ મુશ્કેલીમાંથી કાયમી છુટકારો મળ્યો હતો. રજૂઆત થકી આસપાસના પ્રજાજનોની લોકમાંગણી સંતોષાતાં ગ્રામજનોએ સરકારના પ્રજાલક્ષી અભિગમની સરાહના કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ