ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના માર્ગદર્શન અનુસાર રમત- ગમત વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫- ૨૬ નું આયોજન આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. આ સ્પર્ધાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે વધુને વધુ બાળકો આ સ્પર્ધાઓમાં ભાગ લે અને રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લામાંથી પ્રતિનિધિત્વ વધે તેવા હેતુથી આ વર્ષે એક સરળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જેમાં વ્યક્તિગત અને સાંધિક રમતનું નિયત નમૂનાના ફોર્મમાં દર્શાવેલ સૂચનાઓ મુજબ વિગતવાર ફોર્મ ભરીને તમામ વિગતો સાથે ઝોન કે તાલુકા સ્વીકૃતિ કેન્દ્રો (કલેક્શન સેન્ટર) પર હાર્ડકોપીમાં આગામી તારીખ ૨૧/૦૭/૨૦૨૫ સુધીમાં સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાના રહેશે. આ માટે દરેક શાળાના આચાર્યએ SGFI રમતોની યાદી, વયજૂથ દર્શાવતું પત્રક ફરજીયાતપણે તેમની સંસ્થાના નોટીસ બોર્ડ પર લગાવવું અને દરેક વર્ગખંડમાં આ નોટીસ ફેરવવા જણાવવામાં આવે છે.
સુનિશ્ચિત સમય મર્યાદા બાદ મળેલા રજીસ્ટ્રેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. નિયત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન ફોર્મ સ્વીકૃતિ કેન્દ્ર પર જમા નહિ કરાવનારા વિદ્યાર્થીઓ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ. જેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળા કે શૈક્ષણિક સંસ્થાઓની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ૭૮૫૯૯ ૪૬૯૮૪ આ મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ