જૂનાગઢ, 17 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના રોજગાર વાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ઇન્સ્ટાકાર્ટ સર્વિસ પ્રાઈવેટ લીમીટેડ (ફ્લિપકાર્ટ) જૂનાગઢ એકમમાં શોર્ટર તથા ડિલિવરી પર્સનની જગ્યાઓ માટે એસ.એસ.સી. થી સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન- જૂનાગઢ ખાતે આગામી તારીખ ૧૮/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર વાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો સાથે ઉપરોક્ત ભરતી મેળાના સ્થળ પર સમયસર ઉપસ્થિત થવાનું રહેશે.
આ ભરતી મેળામાં રોજગાર વાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલિફોન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ