જુનાગઢ 17 જુલાઈ (હિ.સ.) મેદસ્વિતામુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત અભિયાન અન્વયે જૂનાગઢ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. લોકોનું જીવન ધોરણ સુધરે, તેમનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત પણ છે અને પ્રયત્નશીલ પણ રહે છે. જૂનાગઢ જિલ્લામાંથી અનેક નાગરિકો યોગ અભ્યાસ માટે આગળ વધી રહ્યા છે.
દરરોજ વહેલી સવારે કૃષિ યુનિવર્સીટી, મધુરમ, દીપાંજલી, મોતીબાગ વગેરે સ્થળોએ અનેક લોકો ઉત્સાહભેર આપણને યોગ, પ્રાણાયામ કરતા જોવા મળે. પહેલા એવું માનવામાં આવતું કે યોગ પ્રાણાયામ કરીને શું વળે એ તો વૃદ્ધ લોકો માટે જ હશે. બદલાતા અને ઝડપી સમયની સાથે આ વિચારધારા બદલાઈ રહી છે. મહિલાઓ પોતાની ઘરે હવે યોગા ક્લાસીસ કરે છે અને આત્મનિર્ભર બની રહી છે. મહિને ૧૦ થી ૧૫ હજાર જેટલી આવક યોગા ટ્રેઇનરોને મળી રહી છે. આ બધું જ શક્ય બન્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લીધે. આજે આપણે જૂનાગઢના સોનલબેન વિશે વાત કરીશું.
લાભાર્થી સોનલબેને જણાવ્યું હતું કે, તેઓએ છેલ્લા ત્રણ મહિનામાં પંદર કિલો જેટલું વજન ઘટાડયું હતું. તેઓએ નિર્જળા એકાદશી કરી હતી અને વ્યવસ્થિત ડાયેટિંગ કર્યું હતું. નવરાત્રીના નવ દિવસ પણ તેઓએ ઉપવાસ કર્યા હતા. મિક્સ કઠોળનું સલાડ અને મિલેટસના રોટલાનો ડાયેટ તેઓએ દરરોજના ડાયેટમાં સમાવેશ કર્યો હતો.
તેઓ વર્ષ ૨૦૨૧ થી મધુરમ વિસ્તારમાં બહેનો માટે નિઃશુલ્ક યોગ ક્લાસીસ ચલાવે છે. તેઓએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેઈનર નર્મદાબેન ચૌહાણ પાસેથી યોગની તાલીમ મેળવી હતી. આ તાલીમના અંતે તેઓને પ્રમાણપત્ર પણ મળ્યું હતું. હાલ તેઓ માસિક રૂપિયા ૧૧,૦૦૦ નુ મહેનતાણું મેળવી રહ્યા છે. તેમના યોગા ક્લાસીસમાં દરરોજ ૪૫ થી ૫૦ જેટલા બહેનો લાભ મેળવી રહ્યા છે. યોગ અભ્યાસથી સોનલબેનને માથાનો દુઃખાવો, ગોઠણ, કમરના દુઃખાવામાં પણ રાહત મળી હતી. હવે તેઓ અન્યને સ્વાસ્થ્ય પ્રત્યેની યાત્રામાં જાગૃત કરી રહ્યા છે. માત્ર ત્રણ જ મહિનામાં યોગ અને પ્રાણાયામ તમારી કાયાપલટ કરી શકે છે તેનું ઉદાહરણ સોનલબેન છે..
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ