સુરત, 17 જુલાઈ (હિ.સ.)- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને
માંડવી ખાતે તા.9 ઓગષ્ટ-વિશ્વ આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી થશે. જે સંદર્ભે
આદિજાતિ રાજ્યમંત્રી
કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકા પંચાયત
ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આયોજન અને પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં સાંસદ પ્રભુભાઈ વસાવા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં આદિજાતિ મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની
અધ્યક્ષતામાં માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે થનારી વિશ્વ આદિવાસી દિનની ઉજવણીની
પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. વિવિધ વહીવટી વિભાગોને વીજળી, પાણી, પોલીસ
વ્યવસ્થા સહિતની મૂળભૂત સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું. પારંપરિક આદિજાતિ નૃત્યો, રીત રિવાજો
સાથે વિવિધ આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભ અને કીટ વિતરણ, મુખ્યમંત્રીના
હસ્તે નવનિર્મિત પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથોસાથ આદિવાસી
બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ એ
દિવસે આવરી લેવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.
વધુમાં મંત્રીએ સુરત, તાપી અને ડાંગ
સહિતના આદિજાતિ વસ્તી ધરાવતા વિવિધ જિલ્લા-તાલુકા-ગામોમાંથી મહત્તમ આદિજાતિ
બંધુઓને સામેલ કરી આદિવાસી અસ્મિતા ગૌરવગાન સાથે આદિજાતિ દિવસની ઉજવણી કરવા સૂચન
કર્યું હતું.
આ
પ્રસંગે પ્રાયોજના વહીવટદાર સુનીલ, પ્રાંત અધિકારી
કૌશિક જાદવ, તા.વિ.અધિકારી રવિન્દ્રસિંહ, નાયબ
ડીડીઓ(મહેસૂલ) પિયુષ પટેલ, મામલતદાર, વિવિધ
વિભાગોના કર્મચારી/અધિકારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે