સુરત, 17 જુલાઈ (હિ.સ.)- સ્વચ્છ સર્વેક્ષણ-2024 અંતર્ગત ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક તરીકે સુરતે ફરી એકવાર પોતાની અસરકારક કામગીરીથી દેશભરમાં મોખરું સ્થાન મેળવ્યું છે. નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સુરત મહાનગરપાલિકા (SMC)ને સુપર સ્વચ્છ લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે એવોર્ડ, પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સુરતના મેયર દક્ષેશ મવાણી તથા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
શું છે સુપર સ્વચ્છ લીગ?
સ્વચ્છ સર્વેક્ષણ-2024ના નવા માપદંડ મુજબ દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શહેરોને વધુ માન્યતા આપવા માટે ‘સુપર સ્વચ્છ લીગ’ની શરૂઆત કરવામાં આવી છે. આ શ્રેણીમાં એવા શહેરોનો સમાવેશ થયો છે, જેઓએ છેલ્લા ત્રણ સર્વેક્ષણોમાંથી ઓછામાં ઓછા બે વખત ટોચના ત્રણમાં સ્થાન મેળવ્યું હોય.
10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સુરત સાથે ઇન્દોર, નવી મુંબઈ અને વિજયવાડા સામેલ છે. સુરતે ખાસ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
અગાઉના રેકોર્ડ્સ:
2023: સુરત અને ઇન્દોરે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
2021 અને 2022: સુરતને દ્વિતીય સ્થાન મળ્યું.
મેયર અને મ્યુનિસિપલ કમિશનર શહેરની સિદ્ધિ પાછળના યોદ્ધાઓ – શહેરીજનો, સફાઈકર્મીઓ અને મનપા સ્ટાફના સહકારને ખરો શ્રેય આપ્યો અને સુરતને સ્વચ્છ અને પ્રમાણભૂત શહેર બનાવવામાં સહભાગી દરેક નાગરિકને અભિનંદન પાઠવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે