રાજકોટ, 17 જુલાઈ (હિ.સ.) રાજકોટ શહેરના વેપારી વિસ્તારમાં આવેલા 150 ફૂટ રોડ પર ગવર્ધન ચોક પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કુતી ઓનલીયા બિલ્ડીંગ સામે એક થાર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી માર્ગની સાઈડ રેલિંગ સાથે કાર અથડાવી હતી. અકસ્માત પછી થાર કાર ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો.
પ્રથમ દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ કાર ચાલક નશાની હાલતમાં હશે અને ઝડપી ગતિએ કાર હંકારી રહ્યો હતો. જેના કારણે સ્ટીયરિંગ સંભાળી શક્યો નહી અને અચાનક કાબૂ ગુમાવતાં કાર રેલિંગ સાથે ભડકી હતી. અકસ્માતના અવાજથી આસપાસ રહેનાર લોકો બહાર નીકળી આવ્યા હતા, પરંતુ તે પહેલા જ કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, થાર કાર અકસ્માત સમયે ગંભીર રીતે નુકસાન પામી હતી. રેલિંગ પણ તૂટી ગઈ હતી. અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સી.સી.ટી.વી. ફૂટેજ સહિત આસપાસના લોકોના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
ઘટનાને લઇ આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રાત્રિના સમયે મોટા ભાગના વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ હતી. પોલીસ હાલ નશાની હાલતમાં થાર હંકારનાર ચાલકની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek