પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગડસઈ ગામમાં પ્રથમ જ વરસાદે ગામના મુખ્ય માર્ગ અને પાંચ ગામને જોડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા કાદવ અને કીચડ છવાઈ ગયો છે. ઠેર-ઠેર પાણી ભરાવાથી વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ગામમાં ઘણા સ્થળોએ પાણીના ખાબોચિયાં ભરાયા છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ જોવા મળી રહી છે. સ્થાનિક રહીશો અને ગ્રામજનોની ફરિયાદ છે કે તેઓએ ગામ પંચાયતમાં વારંવાર લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી છે છતાં કોઈ પગલાં લેવાયા નથી.
ગ્રામજનો જણાવે છે કે સરપંચની તાનાશાહી અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે લોકો મુશ્કેલીમાં છે. સરકારની સ્વચ્છતા ઝુંબેશ હોવા છતાં ગામમાં સ્વચ્છતાનો અભાવ છે અને સરકારી ગ્રાન્ટોનો ઉપયોગ માત્ર કાગળ પર જ થતો હોવાનો આક્ષેપ. જો રોગચાળો ફાટી નીકળશે તો ગ્રામજનો તેના માટે તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર