પાટણ, 21 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના બાલીસણા ગામમાં યુનિટી ફાઉન્ડેશન દ્વારા ગ્રીન બાલીસણા પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ વિસ્તારોમાં કુલ 729 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં 549 મોટા વૃક્ષો, 176 ફૂલના છોડ અને 4 વેલનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ વન વિભાગ પાટણના માર્ગદર્શન અને ગ્રામ પંચાયત બાલીસણાના સહયોગથી જૂન 2025થી ઓગસ્ટ 2025 સુધી એક પેડ માં કે નામ 2.0 હેઠળ અમલમાં મુકાયો છે. રોપાઓ ભવાની માતા મંદિર, હાઈસ્કૂલ મેદાન, ત્રિમંદિર અને અન્ય જગ્યાએ વાવાઈ છે જેમાં લીમડા, ટ્રમેનિયા, કણજી, વડ, આંબલી, ગુલમહોર અને બોરસલી મુખ્ય છે.
યુનિટી ફાઉન્ડેશન દ્વારા રોપાઓનું સંરક્ષણ માટે ટી-ગાર્ડ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ પાટણે છેલ્લા બે વર્ષમાં 40,000થી વધુ રોપાઓ વાવ્યા છે. કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ વી.એલ. દેસાઈ અને બી.એન. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કામગીરી નાયબ વન સંરક્ષક નિકુંજસિંહજી પરમારના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર