ભાવનગર 21 જુલાઈ (હિ.સ.) આજરોજ કલેકટરશ્રીની કચેરી, ભાવનગર ખાતે આયોજન હોલમાં માનનીય કલેકટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને માતામરણ-બાળમરણ (MDR-CDR) સમીક્ષા મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિટીંગમાં છેલ્લાં મહિનાઓ દરમ્યાન થયેલ માતામરણ અને બાળમરણના કેસોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. દરેક કેસના કારણોનું વિશ્લેષણ કરીને ક્યાં પ્રવાહી ખામી રહી છે તે અંગે ચર્ચા કરાઈ હતી અને ભવિષ્યમાં આવું ન બને તે માટે જરૂરી તાત્કાલિક અને દિર્ઘકાળીન પગલાંની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ તબીબી સેવાઓ વધુ અસરકારક બને તે માટે આરોગ્ય કેન્દ્રો, PHC અને CHC માં અનુસંધાન મજબૂત બનાવવા સૂચનાઓ આપી હતી. તેમજ ‘ટ્રેકિંગ સિસ્ટમ’ અને ‘મોનિટરિંગ મેકેનિઝમ’ વધુ દૃઢ બનાવવા માટે પણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ગર્ભવતી મહિલાઓનું સમયસર રજીસ્ટ્રેશન, વ્યવસ્થિત ચકાસણી, રિફરલ વ્યવસ્થા મજબૂત બનાવવી તથા પ્રસૂતિ સમયે ઉચ્ચ સ્તરની સારવાર સુલભ બને તેવા આયોજન પર ભાર મૂકાયો હતો. બાળકમાં પોષણની સ્થિતિ સુધારવા માટે તબીબી તપાસ અને IEC પ્રવૃત્તિઓનું આયોજન કરવા સૂચના અપાઈ હતી.
આ સમીક્ષા બેઠક દ્વારા જિલ્લા સ્તરે માતામરણ અને બાળમરણ ઘટાડવા માટે સૂચિત પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે અમલમાં મુકવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai