રાજકોટ 21 જુલાઈ (હિ.સ.) રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લાની વિવિધ સામાજિક, તાત્કાલિક અને જાહેર હિતના પ્રશ્નોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ તાત્કાલિક નિકાલ લાયક પ્રશ્નોનું પ્રાથમિકતા આધારે કરવા સંબંધિત અધિકારીઓને ચોક્કસ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ સૂચના આપી કે વિભાગો વચ્ચે સુમેળ સાધીને નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપથી અને કાર્યક્ષમ રીતે પૂરું કરવું જરૂરી છે. જાહેર વિહિત કામોમાં કે જ્ઞાતિ આધારિત પ્રશ્નો અંગે જે ફરિયાદો પ્રાપ્ત થાય છે, તેનો પણ ગહન અભ્યાસ કરીને યોગ્ય કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવાની તાકીદ કરી હતી.
બેઠકમાં ચિફ ઑફિસર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બેઠક દરમ્યાન અગાઉ આપવામાં આવેલા સૂચનોના અમલની સમીક્ષા પણ કરાઈ હતી. કલેક્ટરશ્રીએ નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તથા ફરીથી આવતી બેઠકમાં અનુસંધાન રજૂ થાય તેની સૂચના આપી હતી.
આ બેઠક દ્વારા જિલ્લાવાસીઓની ફરિયાદોનો વધુ અસરકારક ઉકેલ લાવવાનો પ્રયાસ જિલ્લાપ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai