ભુજ - કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) રાજ્યના માર્ગ-મકાન (પંચાયત) વિભાગ હસ્તકના નખત્રાણા તાલુકાના વિવિધ માર્ગોના નિર્માણ માટે મંજૂર થયેલા રૂા. 5 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત તાજેતરમાં કરાયું હતું. જિલ્લા, તાલુકાના પદાધિકારી, સ્થાનિક સરપંચો-ઉપસરપંચો તથા ગ્રામજનો જોડાયા હતા.
ગ્રામીણ લોકો અન્યત્ર સ્થળાંતર ન કરે
સરહદી આંતરરાષ્ટ્રીય છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધંધા -રોજગારના અભાવે અન્યત્ર સ્થળાંતર કરી જતાં અનેક પરિવારોનાં કારણે ગામડાં ભાંગવા માંડયા છે, જેને અટકાવવા તથા તેને ફરીથી ધમધમતા કરવાની સરકારની નેમ છે. ગ્રામ્યવિસ્તારોમાં લોકોને રોજીરોટી મળી રહે તે માટે ખેતી, પશુપાલન વ્યવસાયના વિકાસ અંતરિયાળ ગામોને ધોરીમાર્ગથી જોડવા માટે રસ્તાકામો તથા શિક્ષણ, આરોગ્ય સહિતના લોકઉપયોગી અનેકવિધ વિકાસામો તંત્ર દ્વારા સંપન્ન કરાયા છે તેવું ગેચડા ગામે અરલ મોટી રૂા. 254.41 લાખના ખર્ચે થનાર રસ્તાકામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
નિરોણા વિસ્તારમાં અઢળક વિકાસ કામોનો દાવો
વેડહાર (નિરોણા) ગામે નિરોણાથી નિરોણા ડેમ માર્ગ રૂા. 244.66 લાખના ખર્ચે રસ્તાનાં નવીનીકરણનાં ખાતમુહૂર્તના સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્યે આ વિસ્તારના લોકજાગૃતિ અને સૌના સહકારથી તંત્ર દ્વારા અઢળક વિકાસ કામો થયા છે તેમ કહ્યું હતું. ઓગન રિપેરિંગ, લોરિયા રોડ, હરિપુરાથી રાતાતળાવ રસ્તાનું વિકાસ કામ-નદી ઉપરના પુલ નિર્માણ વિવિધ વિકાસકામો સરકારમાંથી મંજૂર કરાવવા સહિતની વિગતો આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA