મહેસાણા 21 જુલાઈ (હિ.સ.) : દેવરાસણના ખેડૂત કીર્તિજી ઠાકોરએ એરંડાની ખેતીમાં અપનાવેલી નવી પદ્ધતિથી સફળતા મેળવી
મહેસાણાના દેવરાસણ ગામના 55 વર્ષીય ખેડૂત કીર્તિજી ઠાકોર છેલ્લા દસ વર્ષથી ખેતી કરે છે. તેઓ હંમેશાં એરંડા, રાયડો અને ઘઉં જેવા પરંપરાગત પાકો ઉગાડે છે. આ વર્ષે તેમણે ડેવલપમેન્ટ સપોર્ટ સંસ્થા અને HUF દ્વારા ચાલતા જળ સુરક્ષા પ્રોજેક્ટ હેઠળ પોતાની દોઢ વિઘા જમીનમાં ‘આંતર ચાસ પિયત પદ્ધતિ’ અપનાવી.
આ પદ્ધતિ હેઠળ પાકને સીધું પાણી આપવાને બદલે છોડની વચ્ચેના અંતર પર પાણી અપાય છે. પરિણામે ઓછી માત્રામાં પાણી વાપરવામાં આવે છે, જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને નિંદામણ પણ ઓછું થાય છે. ખેડૂત કીર્તિજી જણાવે છે કે સામાન્ય પદ્ધતિ કરતાં આ રીતે ઓછા ખર્ચે લગભગ 61 મણ જેટલું એરંડાનું ઉત્પાદન મળ્યું છે.
આંતર ચાસ પિયત પદ્ધતિ ખાસ કરીને એવા ખેડૂતો માટે ઉપયોગી છે, જેમણે જમીનના નાના ટુકડા હોય અને ડ્રિપ સિસ્ટમ લગાવવો શક્ય ન હોય. પાણી, ખાતર અને મહેનતની બચત સાથે વધુ ઉત્પાદન આપતી આ પદ્ધતિ એવા ખેડૂતો માટે વરદાનરૂપ બની શકે છે. જો સરકાર અને સંસ્થાઓ દ્વારા વધુ ખેડૂતોએ આ પદ્ધતિ વિશે જાણકારી મળે તો મહેસાણા જેવા વિસ્તારોમાં કૃષિ ઉત્પાદન વધારવામાં ઘણી મદદ મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR