ભુજ - કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) કચ્છમાં ફરીથી ભૂસ્તરીય સળવળાટ તેજ બન્યો હોય તેમ રવિવારે એક જ દિવસમાં બે આંચકાથી ધરતી ધ્રુજી ઊઠી હતી. એક તરફ પૂર્વ કચ્છમાં બપોરથી સાંજ સુધી 2 ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો, જયારે મધ્ય કચ્છમાં ખાવડા પાસે આંચકો આવ્યો હતો.
પચ્છમના ગામોમાં વધુ અસર
રવિવારે રાત્રે 9.48 કલાકે કચ્છનાં સરહદી ગામો ચારની તીવ્રતાના આંચકાથી ધણધણી ઊઠયાં હતાં. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ રાત્રે 9.48 કલાકે ખાવડાથી 20 કિ.મી. દૂર સાંધારા ગામ પાસે કેન્દ્રબિંદુ ધરાવતા ચારની તીવ્રતાના આંચકાએ વિશેષ રીતે પચ્છમના સરહદી ગામોમાં ઉચાટ સર્જ્યો હતો. પચ્છમના ખાવડા, કુરન, સુમરાપોર, તુગા, જામકુનરિયા સહિતનાં ગામોમાં આ આંચકાની વ્યાપક અસર વર્તાઈ હતી. એકાએક ભેદી અવાજ સાથે ધરતી ધણધણી ઊઠતાં ભયના માર્યા લોકોને ઘરની બહાર દોટ મૂકી હતી. કેન્દ્રબિંદુ સાંધારા ગામ પાસે નોંધાયું હતું.
વરસાદી માહોલમાં બીજીવાર ધરતી ધ્રુજી
તો વરસાદી માહોલ વચ્ચે એક સપ્તાહની અંદર બીજી વખત ધરા ધ્રૂજી હતી. 12.29 કલાકે ભચાઉથી 10 કિ.મી. દૂર બંધડી ગામ પાસે કેન્દ્રબિંદુ ધરાવતા કંપનની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની આંકવામાં આવી હતી. આ પૂર્વે ગુરુવારે ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું.
પાંચ દિવસમાં દુનિયામાં પણ ભૂકંપીય હલચલ
17 જુલાઈ 2025 થી કચ્છ વિસ્તારમાં ત્રણ મહત્વપૂર્ણ ભૂકંપો થયા છે. ઉપરાંત, છેલ્લા પાંચ દિવસોમાં પૂર્વી રશિયા અને ઉત્તર પેસિફિક વિસ્તારમાં મહત્વપૂર્ણ ભૂકંપીય પ્રવૃત્તિઓ થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA