ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ સહિત કોસ્ટલ સિક્યોરિટીની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતાં. જ્યારે કોસ્ટલ સિક્યોરિટીની બેઠકમાં દરિયાઈ સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટરએ વર્ષ ૨૦૨૩-૨૪ના ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ”માં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ આવતાં અભિનંદન પાઠવી અને ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.
માર્ગ સલામતી સમિતિની બેઠકમાં આગામી ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાહવીર (ગુડ સમરિટન)નું સન્માન કરવા બાબત, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા વિવિધ વિસ્તારોમાં જણાતા સંભવિત અકસ્માત ઝોન, રોડ-રસ્તાઓ બાબત, નિયમિત ધોરણે થતાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા સહિતના પગલાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
વાહનવ્યવહાર અધિકારી એન.જે.ગુજરાતી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિવિધ અકસ્માત અને તેના કારણો રજૂ કર્યાં હતાં.
કોસ્ટલ સિક્યોરિટીની મિટિંગમાં એસ.ઓ.જીના વાઘેલાએ દરિયાકાંઠાની સુરક્ષા અંગેનો ચિતાર રજૂ કર્યો હતો અને ફીશ લેન્ડીંગ સુરક્ષા, એન.ડી.પી.એસ. મુદ્દામાલી વિગતો, પોર્ટ અને એસપીએમની સુરક્ષા, ટાપુઓની સુરક્ષા, વાઈટલ ઈન્સ્ટોલેશનની સુરક્ષા, દરિયાકાંઠાની સુરક્ષા, દરિયાઈ સુરક્ષામાં માછીમાર ભાઈઓનો સહકાર, મરીન પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી કે.આર.પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દુદખિયા સહિત પોલીસ, નગરપાલિકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ