ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)
માર્ગ અને મકાન વિભાગની ટેકનીકલ સ્ટાફની મુલાકાત દરમિયાન ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલ મેજર બ્રીજ તેમજ માઈનોર બ્રીજની સ્થિતિ નબળી જણાતાં જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા આ પુલ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે અને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ જાહેરનામાં અનુસાર ઉના-ગીરગઢડા-જામવાળાને જોડતા સ્ટેટ હાઈવે-૯૮ પર થોરડી ગામમાંથી પસાર થતી સાંગાવાડી નદી ઉપર આવેલ માઈનોર બ્રીજ તેમજ જામવાળા ગામે તાલાલા તરફ જતા રોડ પર આવેલ શિંગોડા નદી ઉપર આવેલ મેજર બ્રીજની ચકાસણી કરતા ભારે વાહનો તે પુલ પરથી પસાર થઈ શકે તે સ્થિતિમાં નથી.
જો ભારે વાહન પસાર કરવામાં આવે તો મોટી દુર્ઘટના(જાનહાની) થવાની શક્યતાને જોતા અગમચેતીના ભાગરૂપે ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલ મેજર બ્રીજ તેમજ માઈનોર બ્રીજ પરથી નીચેના વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મુકાયો છે અને આ જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવેલા વાહનોના વૈકલ્પીક રૂટ તરીકે ઉના-કોડીનાર-પ્રાંચી-માધુપુર-તાલાલા થઈ આવવા-જવાનું જણાવાયું છે.
મહત્તમ ૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના તમામ વાહનો, ૭૫૦૦ કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ વાહનો ઉપરાંત શાળાકીય વાહનો કે જેમાં વિદ્યાર્થીઓનું પરીવહન થતું હોય તેવા વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામુ બહાર પડયા તારીખથી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ