ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)
આજે સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણની કટોકટી સર્જાય છે, ત્યારે આ બધા વચ્ચે તેમાંથી બચવાનો એકમાત્ર રસ્તો વધુ વૃક્ષો વાવવાનો અને પ્રકૃતિ તથા પર્યાવરણનું જતન-સંવર્ધન કરવાનો છે.
આ ઉપક્રમમાં જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ અને જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં નવા નજરાણાં સમાન આ બગીચાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ બગીચો અંદાજિત રૂ.૭૬ લાખના ખર્ચે વિકસીત કરવામાં આવ્યો છે. જેમાં મિયાવાકી ફોરેસ્ટ પણ ઉભું કરવામાં આવ્યું છે. આ સિવાય મોટા વિસ્તારમાં ફેલાયેલા લેન્ડસ્કેપિંગ સાથેના ગાર્ડનના કારણે જિલ્લા પંચાયત, જિલ્લા સેવા સદન અને જિલ્લા પોલીસ ભવનની સુંદરતામાં પણ વધારો થયો છે.
આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, પૂર્વ જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના કાર્યકાળમાં શરૂ થયેલું ગાર્ડનનું નાગરિકલક્ષી કામ જિલ્લા કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાયની નિશ્રામાં પૂર્ણ થયું છે. આ બગીચો જોઈને મને આનંદ થયો છે.
તેમણે જણાવ્યું કે, જે રીતે સુંદર બગીચાનું નિર્માણ થયું છે, હવે તેની જાળવણીની જવાબદારી પણ આપણાં સૌની છે. તેમણે જિલ્લા સેવા સદનના કર્મચારીઓને આ બગીચામાં એકેએક ફળાઉ વૃક્ષ વાવવા માટેનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ માટેના ફળાઉ વૃક્ષની જો જરૂર પડશે તો તે હું પૂરા પાડીશ.
આ તકે ધારાસભ્યશ્રી દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત મુજબ ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. કે જેથી જિલ્લામાં ટી.બી.ના દર્દીઓની સંખ્યા દિન-બ-દિન ઘટાડી શકાય.
કલેકટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ બગીચાથી સરકારી કામે આવતા લોકો સાથે કર્મચારી-અધિકારીઓને પ્રકૃતિ વચ્ચે રહેવાનો અવસર મળશે. તેમણે આ ગાર્ડન ખીલેલો અને ફૂલેલોફાલેલો રહે તે માટે આપણે સૌએ પ્રયત્નો કરવાનો છે. સરકારી કામ વચ્ચે આપણને પ્રકૃતિ વચ્ચે રહેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે.
જિલ્લા સેવાસદનમાં સરકારી કામે આવતા નાગરિકો અને અહીં કામ કરતા કર્મચારીઓ આ ગાર્ડનનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને સાથે જ સ્વચ્છતાલક્ષી અભિગમ અપનાવીને ગાર્ડનને જાળવવામાં પોતીકુ યોગદાન આપે એવી ભાવસભર અપીલ પણ તેમણે કરી હતી.
આ બગીચામાં મિયાવાકી ફોરેસ્ટ સાથે જ સપ્તર્ણી, લીમડો, કૉપર પૉડ, પામ ટ્રી, ગુલમહોર, કેસુડો સહિત અનેકવિધ જાતના વૃક્ષો વાવવાની સાથે વોકિંગ માટે પાથ-વેનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ બગીચામાં લોકોને હરવા-ફરવા માટે આર.સી.સી.રોડ, એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટની સુવિધા, એમ્ફીથિએટર, ગઝિબો ઉપરાંત હાઈમાસ્ટ ટાવર પણ મૂકાયો છે. આ ઉપરાંત, હજુ સિંહ સહિતના આર્ટિસ્ટિક સ્કલ્પચર પણ ભવિષ્યમાં મૂકવામાં આવશે. જેથી બગીચાના સૌંદર્યમાં ઔર અભિવૃદ્ધિ થશે.
આ સાથે જ કલેક્ટર સહિતના મહાનુભાવોએ બગીચામાં વિવિધ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
આમ, આ રીતે ગાર્ડનના નિર્માણ થકી જિલ્લા સેવા સદન પરિસરના સૌંદર્યમાં અભિવૃદ્ધિ થઈ છે તો સાથે જ આસપાસના ગ્રામજનોને ફરવાલાયક સ્થળ અને અરજદારો માટે વિસામાના મનોરમ્ય સ્થળ તરીકે ઉમેરો થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ