ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)
તાજેતરના સમયમાં રાજ્યમાં બનેલી ગંભીરા પુલની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા પુલોનું સમારકામ થાય તેમજ તપાસ થાય તે માટેના નિર્દેશો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા છે.
આ સંદર્ભમાં રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં પ્રભારી મંત્રી તેમજ પ્રભારી સચિવશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા જિલ્લામાં આવેલા પુલોની રૂબરૂ મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે.
આ જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં વર્ષો જૂના અથવા તો વરસાદથી ક્ષતિગ્રસ્ત બનેલા રોડ રસ્તા- પુલના નિરીક્ષણ માટે કલેકટર એન.વી.ઉપાધ્યાયે છેલ્લા બે દિવસમાં જિલ્લાના વિવિધ રોડ-રસ્તા તેમજ માઈનોર-મેજર પુલોની પ્રત્યક્ષ મુલાકાત લઈ અને સ્થળ-સ્થિતિની સમીક્ષા કરી હતી.
કલેક્ટરએ પેઢાવાડા, સીમાસી સહિતના પુલોની મુલાકાત લઈ માર્ગ મકાનના અધિકારીઓને પુલોની દુરસ્તી તેમજ સમારકામ અંગે જરૂરી સૂચનાઓ આપી છે.કલેક્ટરએ પુલની સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સહિતની માળખાગત ચકાસણી કરવા માટે ઉપસ્થિત સર્વે અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતાં.
ઉલ્લેખનીય છેકે, જે પુલ પરથી ભારે વાહન પસાર થતાં મોટી દૂર્ઘટના થવાની શક્યતા હોય તો અગમચેતીના પગલાં લેતાં બ્રીજનું સમારકામ ન થાય અથવા તો નવુ બાંધકામ ન થાય ત્યાં સુધી બ્રીજ પર કલેક્ટર દ્વારા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતાં જાહેરનામાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે.
તેમાં, કોડીનાર-જામવાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજ, ઉના-ગીરગઢડા -જામવાળા રોડ પર આવેલા મેજર-માઈનોર બ્રીજ, સામતેર-બેડીયા-કંટાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજ, ધોકડવા ગામ ખાતે આવેલ રાવલ બ્રીજ, ઉના તાલુકાના સીમાસી ગામ ખાતે રૂપેણ નદી પરના પુલ, ઉના-તુલસીશ્યામ રોડ પરના માઈનોર બ્રીજ સહિતનો સમાવેશ થાય છે.
આ તમામ પુલો પરથી મહત્તમ ૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના તમામ વાહનો, ૭૫૦૦ કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ વાહનો ઉપરાંત શાળાકીય વાહનો કે જેમાં વિદ્યાર્થીઓનું પરીવહન થતું હોય તેવા વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો છે.
આ ઉપરાંત, આવા પુલો પરથી ભારે વાહનો માટે અન્ય વૈકલ્પિક રૂટ પણ નક્કી કરવામાં આવ્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ