ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)
સામતેર-બેડીયા-કંટાળાને જોડતા મુખ્ય જિલ્લા માર્ગ પર સમઢીયાળા ગામ પાસેથી પસાર થતા વોંકળા ઉપર આવેલ માઈનોર બ્રીજની ચકાસણી કરતા ભારે વાહનો તે પુલ પરથી પસાર થઈ શકે તે સ્થિતિમાં ન હોય અને જો ભારે વાહન પસાર કરવામાં આવે તો મોટી દુર્ઘટના(જાનહાની) થવાની સંભાવના હોય આગમચેતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અનુસાર માઈનોર બ્રીજનું સમારકામ ન થાય અથવા તો નવુ બાંધકામ ન થાય ત્યાં સુધી સામતેર-બેડીયા-કંટાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજ પરથી નીચેના વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મુકવા તેમજ આ જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવેલ વાહનોના વૈકલ્પીક રૂટ તરીકે ઉના-રાજુલા-અમરેલી થઈ આવવા-જવાનું રહેશે.
મહત્તમ ૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના તમામ વાહનો, ૭૫૦૦ કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ વાહનો ઉપરાંત શાળાકીય વાહનો કે જેમાં વિદ્યાર્થીઓનું પરીવહન થતું હોય તેવા વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામુ બહાર પડયા તારીખથી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ