ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.)
ઉના-તુલસીશ્યામ રોડ પૈકી ગીર અભયારણ્યની હદમાં આવેલ માઈનોર બ્રીજની ડિઝાઈન સર્કલ પ્રતિનિધિ દ્વારા મુલાકાત કરી નિરીક્ષણ કરતા બ્રીજની હાલની સ્થિતિ નબળી જણાઈ છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા આ પુલ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવા તથા વૈકલ્પીક રૂટ તરીકે ઉના-રાજુલા-અમરેલી તરફથી આવવા-જવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અનુસાર ઉના તથા તુલસીશ્યામને જોડતા સ્ટેટ હાઈવે-૧૦૪ જે જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોય જે સ્ટેટ હાઈવે ઉપર જશાધાર ગામથી તુલસીશ્યામ જતા જશાધાર ફોરેસ્ટ ચેકપોસ્ટથી આશરે ૪ કિ.મી. દુર માઈનોર બ્રીજની ચકાસણી કરતા ભારે વાહનો તે પુલ પરથી પસાર થઈ શકે તે સ્થિતિમાં ન હોવાનું જણાયું છે.
જો ભારે વાહન પસાર કરવામાં આવે તો મોટી દુર્ઘટના (જાનહાની) થવાની સંભાવના હોય આગમચેતીના ભાગરૂપે સદરહુ માઈનોર બ્રીજ (સ્લેબ ડ્રેઈન)નું સમારકામ ન થાય અથવા તો નવુ બાંધકામ ન થાય ત્યાં સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે અને વૈકલ્પીક રૂટ તરીકે ઉના-રાજુલા-અમરેલી તરફથી આવવા-જવા અંગેનું જણાવાયું છે.
મહત્તમ ૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના તમામ વાહનો, ૭૫૦૦ કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ વાહનો ઉપરાંત શાળાકીય વાહનો કે જેમાં વિદ્યાર્થીઓનું પરીવહન થતું હોય તેવા વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ