મહેસાણા, 21 જુલાઇ (હિ.સ.) : ભારત કૃષિ આધારિત દેશ છે જ્યાં ખેડૂતોને ઘણી વખત કુદરતી આફતોથી પાક નુકસાનનો સામનો કરવો પડે છે. મહેસાણા જિલ્લાના કૃષિ અધિકારી એસ.એસ. પટેલે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015થી નેચરલ કેલામિટી રીલીફ ફંડ (SDRF) હેઠળ નુકસાન પામેલા ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે 33% કે તેથી વધુ પાક નુકસાન થાય અને નુકસાનનું કારણ પૂર, કમોસમી વરસાદ કે વાવાઝોડું હોય તો ખેડૂતને સહાય માટે પાત્ર ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં ગ્રામસેવક દ્વારા સર્વે કરીને માહિતી કલેક્ટરશ્રીને મોકલવામાં આવે છે અને પછી રાજ્ય સ્તરે સહાય મંજૂર થાય છે.
મહેસાણા જિલ્લામાં 2025ના ખરીફ સિઝનમાં લગભગ 2.87 લાખ હેક્ટર જમીનમાં દિવેલા, કપાસ અને કઠોળ જેવા પાક ઉગાડવામાં આવ્યા છે, જેમાં કમોસમી વાતાવરણ નુકસાનીનું જોખમ ધરાવે છે.
પટેલે ઉમેર્યું કે, પાણી ભરાઈ જવાથી પાક નાશ પામે, વાવાઝોડાથી પાક જમીન સાથે સમોવાઈ જાય કે તણાઈ જાય તો ખેડૂતો સહાય માટે પાત્ર બને છે. તેમજ તેમને સલાહ આપી કે વાવેતર અને નુકસાનની માહિતી સમયસર ગ્રામસેવકને આપવી જોઈએ જેથી યોગ્ય સમયે સહાય મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR